રાજકોટે લોકોને ભરીભરીને આપ્યું હશે પણ મને રિજેક્શનનો અંબાર આપ્યો છે. કેટકેટલાં ઇન્ટરવ્યુ થયાં અને કેટલાં તો ફાઇનલ પણ થયા. કોણ જાણે શું લખ્યું હશે નસીબમાં પણ છેલ્લે આવીને વાત અટકી જતી અને રાજકોટનાં નામ પર ચોકડી લાગી જતી.
નિશીત, ખાનદાની પ્લાસ્ટિકનો ધોરાજીમાં વ્યવસાય પણ એમાં આપણું જરા પણ દિલ ન લાગતું. કોલેજના સમયથી જ એવી જીદ્દ કે મારો ખર્ચ જાતે જ ઉપાડવો, કોલેજની ફી થી માંડીને હોસ્ટેલના ખર્ચ સહીત મારે જ કમાવું એવો આગ્રહ હતો. એટલે પીઆર એજન્સીઝ ના કોન્ટકટમાં આવ્યો અને ઇવેન્ટ મેનેજેમેન્ટ શરુ કર્યું. શરૂઆતમાં તો ઘણું જ કામ કર્યું પરંતુ પછી પપ્પાના કેન્સરને લીધે ઘણો સમય બદલાય ગયો.
કોલજ પૂરું કર્યા બાદ ઘણી જગ્યાએ અપ્લાય કર્યું પરંતુ ફક્ત અને ફક્ત રિજેક્શન જ મળ્યા. 3 મહિના તો મેં માત્ર મારુ સીવી તૈયાર કરવામાં જ લગાડ્યા અને એ પણ 300 રૂપિયાના ખર્ચે મારુ એક સીવી તૈયાર થતું એવું મેં દરેક રેડીઓ સ્ટેશનને મારુ સીવી મોકલેલું અને ખરેખર કદાચ મારા જેવું સીવી તૈયાર કરવાં માટે તો કોઈએ એટલા પ્રયત્નો પણ નહિ કર્યા હોય. આખરે માય એફ.એમ. અમદાવાદે ફક્ત મારુ સીવી જોઈને જ મને જોબ આપી દીધેલી. ખરેખર તો એમણે મારાં માટે જોબ ઉભી કરેલી. ત્યાં મેં 3 મહિના માં જ મારુ નામ કાઢી લીધું અને સીઈઓ તરફથી મને અપ્રીસિએશન લેટર મળ્યો. એ દરમિયાન રાજકોટ માય એફ એમ ના પ્રોગ્રામિંગ હેડ ની જગ્યા ખાલી થયેલી અને મને તાત્કાલિક એ જગ્યા આપવામાં આવી. મેં માય એફ એમમાં ધરખમ ફેરફારો કર્યા , રાજકોટ મ્યુનિસિપલીટી જે કોઈ પણ સરકારી પ્રોગ્રામોમાં કોઈ રેડીઓ કે મીડિયા જોડે ટાઈ અપ નહોતું કરતુ એને માય એફ એમ જોડે ટાઈ અપ કર્યું. વોટિંગ હોય કે સ્વચ્છતા અભિયાન હોય કે પછી તમાકું છોડવા માટેનો કાર્યક્રમ હોય બધામાં માય એફ એમ મહત્વનો ભાગ ભજવતું.
રાજકોટ જે પહેલી વખત 15 માં ક્રમે હતું એ માય એફ એમ ની પબ્લિસિટી અને જાગૃકતાના પ્રયાસોને કારણે પાંચમા નંબરે અને ત્રીજા સત્રમાં સેકન્ડ નંબર પર આવી ગયું.
મારા ખુદનાં પપ્પાને કેન્સર થયેલું એટલે તમાકું, સિગારેટ કે ગુઠખા વિષે લોકોમાં અવેરનેસ લાવવી એ મારો પર્સનલ એજેન્ડા જ થઇ ગયેલો. છોટુનગર જેવા વિસ્તારને કાલાવડ રોડની માફક ચોખ્ખો કરી નાખેલો. મારી ઓફિસમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની તકેદારી તો રાખતો જ પણ લોકોમાં પણ રેડીઓ મારફતે એટલી જ જાગૃકતા લાવવાનો પ્રયાસ રહેતો. પ્લાસ્ટિકતો અમારો ખાનદાની વ્યવસાય હોવા છતાં એ બધું એક બાજુ મૂકીને પ્લાસ્ટિકના ઉપયોગ વિરુદ્ધ પ્રોગ્રામો કરેલા છે.
રાજકોટે જેટલાં રિજેક્શન આપેલાં એનાથી થી પણ વધુ મને આપી ચૂક્યું છે. આજે હું ભારતનો સૌથી નાની વયનો પ્રોગ્રામિંગ હેડ છું અને એના બદલ મને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. એવો તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. રાજકોટની જનતાને જરૂર કહીશ કે જે ઘર કે શહેરમાં રહો છો એને દુનિયાના નકશા ઉપર ઉપસાવવાની જવાબદારી અને ઋણ છે તમારી ઉપર અને એ ઋણ આપણે ઘણી રીતે ચૂકવી શકીયે છીએ જરૂર છે માત્ર નાની કોશિશ ની. એ ભલે ઘરનો કચરો ફેંકવાથી હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાથી હોય, શરૂઆત તો કરવી જ પડશે.
કાપડ ઓછું છે, તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.
-મધુસૂદન પટેલ ‘મધુ’
Recent Comments