#405 Kanishk Bhardwaj

By Faces of Rajkot, February 24, 2020

જેના અન્નપાણી જ્યાં લખેલા હોય છે દુનિયાના ગમે તે ખૂણે થી ત્યાં આવવું જ પડે છે. મારો જન્મ શાહરાનપુર, ઉત્તરપ્રદેશમાં થયેલો પણ, કિસ્મત રાજકોટ લઇ આવી. અહીં આવીને જોયું કે લોકો અવનવા રસ્તાઓ અપનાવે છે અને સફળતા પણ મેળવે છે. રસોઈ કરતી રાજકોટની નારી પણ પાપડ વેંચીને બજાર ગજવી મૂકે છે અને કોઈ ઓનલાઇન બિઝનેસ, કોઈ સંગીત, કોઈ સ્પોર્ટ્સ કે કોઈ માત્ર સાઇકલ ચલાવીને પણ દુનિયમાં પોતાનું નામ રાજકોટ સાથે ઉપર લઈને આવે છે.

કનિષ્ક ભરદ્વાજ, કદાચ પાંચમા ધોરણમાં હતો ત્યારે મને મારા સંગીતના શિક્ષકે કહેલું કે તારો અવાજ તદ્દન અલગ છે અને તારે ગાવા ઉપર ફોક્સ કરવું જોઈએ. ત્યારે તો કોઈ એટલી સિરિયસલી વાત નહોતી લીધી પણ ધીમે ધીમે એક રસ જાગ્યો અને દસમા ધોરણ પછી રીતસરનું ગાવાનું શરૂ કર્યું. અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતો અને જીતી પણ જતો. પણ એમાં શું મોટી વાત? લોકો સ્કૂલ, કોલેજોમાં ગાય છે અને ભૂલી પણ જાય છે. કોલેજ પત્યા પછી એ પણ 9-5 ની નોકરી કે પછી બાપુજીના બિઝનેસમાં ખુરશી પકડીને બેસી જતાં હોય છે. પણ મને એમ હતું કે રાજકોટમાં આવ્યો છું તો કંઈક તો કારણ હશે જ! કંઈક તો અલગ લખ્યું જ હશે મારા નશીબ માં.

કોલેજ દરમિયાન એક મિત્ર જે ગિટાર વગાડતો એની સાથે મળીને યૂટ્યૂબ કવર “તુમ્હી હો” કર્યું અને એ ખાસ્સું એવું સફળ રહ્યું. ત્યાર બાદ રેસ્ટોરન્ટ, કાફે, સ્ટેજ શૉ માં પરફોર્મન્સ આપ્યા અને કોઈ પણ નાનામાં નાનું સ્ટેજ મળે ત્યાં પણ હું ગાતો રહ્યો, એક એવી તમન્ના હતી કે લોકો મને ઓળખે. ફ્રેશર્સ પાર્ટી હોય કે પછી ગેસ્ટ અપિરન્સ હું કોઈ પણ મોકો ન છોડતો. એમાં કમાણી કઈં જ નહોતી ક્યારેક તો ઘરના પૈસે પ્રોગ્રામ કરવો પડતો પણ, એક જૂનુન હતું કે સફળ પણ થવું છે અને લોકપ્રિય પણ થવું જ છે.

ધીમે ધીમે રાજકોટનું પહેલું રોક બેન્ડ બન્યું અને હું એ બેન્ડનો હિસ્સો બન્યો, એક અલગ જ પ્રકારનું સંગીત હોય અને એક આગવી અને અનોખી શૈલીમાં હું ગાતો. ઘણા પ્રોગ્રામો કર્યા અને થોડા સમય બાદ એક “મિસ્ટિક ગ્રુવ” નામનું બેન્ડ જોઈન કર્યું. કોર્પોરેટ પ્રોગ્રામ્સ, ફેમિલી સંગીત કે પછી પ્રાઇવેટ પ્રોગ્રામ્સ લોકો ખુબ જ અલગ રીતના કન્ટેન્ટ અને કાર્યક્રમો માટે બોલાવવા લાગ્યા. અને અમારા બેન્ડ તરફથી પૂરતા પ્રયાસો રહ્યા છે કે એમને દર વખતે એક અલગ જ અનુભવ મળે. જેમણે પણ આજ સુધી મિસ્ટિક ગ્રુવ બેન્ડના કાર્યક્રમો જોયા છે એણે ભરપૂર વખાણ કર્યા છે.

રાજકોટમાં મ્યુઝિક બેન્ડ એટલે લગ્નમાં ગાવા વાળા એવી એક ઘર કરી ગયેલી માન્યતા પણ અમારા પ્રયાસો એવા જ રહે છે કે અમારા પ્રોગ્રામો અને ગાવાની શૈલીથી એમની એ માન્યતાને ચકનાચૂર કરી દઈએ. આ ઉપરાંત, મારી પોતાની યૂટ્યૂબ ચેનલ પણ શરુ કરી છે. લોકોને કદાચ જાણી ને આશ્ચર્ય પણ થાય કે તમને યૂટ્યૂબ મારફતે વિડિઓ અપલોડ કરીને કમાણી પણ કરી શકો છે. જેમ રાજકોટીયન્સ પોતાની આગવી શૈલી અને ઓળખ બનાવે છે તો આ થયો હું પણ રાજકોટીયન. મારા યુટ્યુબ વિડિઓઝ પર 30,000 વ્યુસ તો સામાન્ય રીતે જ જોવા મળે છે. ક્યારેક એક લાખથી ઉપર વ્યુઝ જોવા મળે છે. મારા મિત્રો મને વિડિઓ શૂટ કરવામાં મદદ કરે છે, કોઈ પણ હાઈ – ફાઈ વિડિઓ એઇડીટિંગ ની જરૂરત નથી, માત્ર મોબાઈલ માંથી કે DSLR માં થી પણ શુટીંગ કરીને મ્યુઝિક વિડિઓ હું અપલોડ કરું છું. ઉપરાંત બેન્ડ માં મને મૌલિક પાવાગઢી અને મોનાશ પાવાગઢી જેવા મિત્રોનો અનેરો સાથ મળ્યો છે.

રેડીઓ મિર્ચીમાં હું સેલ્સ અને એકાઉન્ટ માં જોબ કરું છું જ્યાં થી મને સારા સારા આઈડિયા મળી રહે છે અને એક સ્થાયી આવક પણ બની રહે છે. ક્યારેય મારા ખર્ચ માટે ઘરેથી પૈસા નથી લીધા અને મારો ખર્ચો જાતે જ ઉપાડ્યો છે. MBA કર્યું છે, મ્યુઝિક વિડિઓ પણ બનાવું છું અને રૉક બેન્ડમાં પણ છું. હજારો લોકો ઓનલાઇન મને ફોલો કરે છે પણ હું માત્ર અને માત્ર રાજકોટને ફૉલો કરું છું… — with Kanishk Bhardwaj.