#406 Rajkotians making dual language movie

By Faces of Rajkot, March 6, 2020

રાજકોટની વ્યક્તિ રાજકોટમાં જ કંઈક નવું કરી બતાવે એવું તો આપણે અહીં ઘણું જોયું, પણ રાજકોટના તો ઠીક ગુજરાતના સીમાડાઓ ઠેકીને બંગાળી ભાષામાં ફિલ્મ બનાવવી એ તો કાંઈ અલગ જ છે.

મારુ નામ નીરવ રાણીંગા, જયારે ઇન્ટર સ્કૂલમાં એક નાટક કરેલું અને જે બહુ વખણાયેલું લોકો એ ફિલ્મ બનાવવા પર જોર દીધું પણ ત્યારે તો એવો કોઈ વિચાર નહોતો આવ્યો પણ ધીમે ધીમે વિચાર દ્રઢ બનતો ગયો. રાજકોટમાં ફિલ્મ પાછળ જો રહીયે તો ખાઈયે શું અને ખવડાવીએ શું? એટલે ફિલ્મ નો પ્રોજેક્ટ પાર્ટ ટાઈમ બની ગયો. રાજકોટમાં રાત્રે નિરાંતે બેસીને મિત્રો વાતો કરી શકે કે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી શકે એવી જગ્યાઓ બહુ જ જૂજ છે એમાંની અમારી ફેવરિટ જગ્યા એટલે ફૂલછાબ ચૉક. ત્યાંજ પ્લોટ, સ્ટોરી અને કલાકારોનું ડીટેઈલિંગ થયું અને ત્યાં મોટાભાગનું કામ ફાઇનલ થયું.

સોંગ લખાયા, શૂટિંગ શરુ કર્યું, રાજકોટના રોડ પર જ શૂટિંગ કર્યું છે એ પણ કેમેરા લોકોને ખ્યાલ ન આવે એ રીતે છુપાવીને. જો ખબર પડે તો બધા હીરો બનવા આવી જ જાય. ગુજરાતી કલાકારો પાસે બંગાળીમાં સંવાદ બોલાવ્યા. આ બધું મેનેજ કરવામાં રાજકોટનું પાણી દેખાઈ આવ્યું. શૂટિંગમાં મોટા મોટા બ્રેક આવતાં કારણ કે જેમ જેમ પૈસા આવતાં એમ એમ શૂટિંગ આગળ વધતું. ખરી મુશ્કેલી ફિલ્મ બનાવવી એ નથી પણ એને રિલીઝ કરવી છે. સેન્સર સર્ટિફિકેટ, ટેક્નિકલ વાતો, સેટેલાઇટ રાઇટ્સ એવું ઘણું બધું હોય છે જેમની કોઈ કલ્પના પણ નહોતી. અને એ પણ એક જ વખતમાં વાત પુરી થાય નહિ. સેન્સર માટે પણ ધક્કા ખાવા પડે, લોકો ખોટી સલાહો આપે, જાણી જોઈને કામ મોડું કરાવે. ઘણું ઘણું જ જાણવા મળ્યું. ભારત ભલે પ્રજાસત્તાક દેશ રહ્યો પણ આજે પણ અહીં ભાષા ને જાતિના વાડાઓ નડે છે. જો તમે નવા સાવ હોય તો બંગાળમાં જઈને એક ગુજરાતીએ ફિલ્મ રિલીઝ કરવી એ ઘણું જ અઘરું કામ છે.

આપણે કોઈ રાજ્ય કે ભાષાની વિરુદ્ધ નથી પણ એક વાર તો એમ થયું કે કોઈ બંગાળી ભાઈ રાજકોટમાં આવીને ગુજરાતીમાં ફિલ્મ બનાવતો હોય તો આપણે કેટલા ઉત્સાહથી એનો સાથ આપીયે? વિચારવા જેવું ખરું એક વાર…