#407 Ambe, a girl

By Faces of Rajkot, March 16, 2020

ભાગીરથી ગંગાને પૃથ્વી પર અવતરવા માટે શંકરની જટાની જરૂર પડે પણ શક્તિને અવતરવા માટે તો માતાની કૂખ જ જોઈએ. આવી જ એક શક્તિનું સ્વરૂપ એટલે “અંબે” રાજકોટના ઠેબચડાં ગામનાં પાદરેથી કચરામાં મળી આવી. શરીર પર તીક્ષ્ણ હથિયારના નિશાનો, જીવ-જંતુ અને કૂતરાઓએ બચકા ભરેલાં અને જાણે પીડાની પરાકાષ્ઠાને જન્મતાની સાથે જ હસ્તગત કરતી હોય એમ મોતને હંફાવતી મળી આવી. સ્થાનિક લોકોએ કૂતરાંના મોં માંથી બાળકીને છોડાવીને હોસ્પિટલમાં ભરતી કરાવી. નાજુક પોયણીનું ફૂલ વેન્ટિલેટર પર ચડાવ્યું અને સારવાર શરુ થઇ. નાનકડા હતા ત્યારે પતંગિયાને પકડીને કાચની બરણીમાં પૂરતા, તદ્દન એવું જ દ્રશ્ય જાણે પોયણી પાંજરે પુરાણી હોય. પીડા સહન કરવાનું મા ના ગર્ભમાંથી જ શીખીને આવી હોય એમ આ બાળકીની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે.

હા, અંબે રાજકોટનો એક માસુમ ચેહરો, હજારો લોકો જેના માટે દુવાઓ અને પ્રાર્થનો કરી રહ્યા છે કે એના માતાપિતા આવીને એને અપનાવી લે. કેટલાયે લોકો અમૃતા હોસ્પિટલે દરરોજ “અંબે”ની ખબર કાઢવા આવે છે. ધન્ય છે અમૃતા હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને જે દિવસ-રાત આ શક્તિની જીવનજ્યોત જલતી રહે એ માટે ખડે પગે હોય છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ અંબેની મુલાકાત લઈને અમૃતા હોસ્પિટલના સ્ટાફને ખૂબ- ખૂબ વખાણ કર્યા છે. રાજકોટ પોલીસ સ્ટાફ પણ દરરોજ અંબે માટે કશુંક નવું કરતો રહે છે. હમણાં જ એમણે અંબે માટે એક હીરાનું લૉકેટ આપ્યું. શક્તિનો શણગાર અને વધામણાં સારા-સારા લોકો કરી ગયા પણ, જેને આ શક્તિને જન્મ આપવાનું સદ્ભાગ્ય સાંપડ્યું એવી મા હજી પણ સામે નથી આવી. એવું માની લઈએ કે એ નિમિત્ત માત્ર હોય આ શક્તિના અવતરણ માટે. એની પણ શાયદ મજબૂરી રહી હશે નહીંતર કોઈ મા પોતાના બાળકને સામાન્ય ઇજા થાય તો ઘર માથે લઇ લેતી હોય એ પોતાના કાળજાના ટુકડાને ઠેબે ન જ ચડાવે.

ફર્ટિલિટી હોસ્પિટલ પર ઉભરાતા યુગલો એક સંતાન માટે વર્ષો સુધી પગના તળિયા સાથે બેન્ક બેલેન્સ અને જાત ઘસી કાઢે છે. એને જો ઉપરવાળો “અંબે” આપી દેતો હોય તો એના ચેહરાઓ ઉપર કે જીવનમાં જે ખુશીનો મહાસાગર ઉમટી પડે એને કોઈ શબ્દમાં વર્ણવી ન શકાય. ઘણા લોકોએ અંબેને દત્તક લેવા માટે અપીલ કરી છે પણ, જ્યાં સુધી અંબેના માતાપિતા ન મળી જાયરાજકોટનાં કલેકટર માનનીય શ્રી રામ્યા મોહન એ અંબેની જવબદારી ઉપાડી છે.

સમાચાર, મોબાઈલ, સોશિઅલ મીડિયામાં ઘણી જ અપીલો થઇ રહી છે બાળકીને મા બાપ ને શોધવા માટે, એ બધી વાતો તો થઇ રહી, પણ આપણે તો રાજકોટના ચેહરાની વાત કરવી છે, આ પણ રાજકોટનો એક વરવો ચેહરો છે, કોઈ પણ અગમ્ય કારણોસર બાળકોનો ત્યાગ કરાયો પણ નસીબની બલિહારી જુઓ બાળકી જન્મતાના બીજા દિવસે જ ગુજરાતના ઘરે ઘરે જાણીતી બની ગઈ. પુરાણોમાં લખ્યું છે કે જયારે જયારે દુનિયા પર અત્યાચાર વધી જાય ત્યારે શક્તિનું અવતરણ થાય છે. આપણે એમ તો ન કહીયે કે કોઈ રાક્ષસનો વધ કરવા માટે જન્મ થયો હોય પરંતુ એટલું તો જરુર કહી શકાય કે આજે જે વાઇરસ અને મહામારીઓ વધતી જાય છે , શાયદ આ બાળકી મોટી થઈને ડોક્ટર, IPS -IAS કે પછી વૈજ્ઞાનિક બને જે બીમારી, અસામાજિક તત્વો કે પછી દુશ્મનોનો નાશ કરીને શક્તિનું સ્વરૂપ બતાવે. જય અંબે!!

એમના થકી આ જગમાં અવાયું છે.!
પ્રશ્ન જ નથી કે કોણ અહીં સવાયું છે.

– ગિરીશ ત્રાડા “હુકુમ”