#409 Corona Warrior Kishan Chhaiya

By Faces of Rajkot, April 17, 2020


આવતીકાલે જો દુનિયા આ વાઇરસ મુક્ત થઈ જાય તો આપણે હતા એવા જ થઇ જશું? કોઈ પરિવર્તન નહિ જ આવે? કેટલા કેસ થયા? ક્યાં થયા? શું જમવાનું બનાવ્યું? કોને ડંડા પડ્યા? વિડિઓ બનાવ્યો? બધું જ નેગેટિવ-નેગેટિવ, એવામાં જો કોઈ સારા સમાચાર જોવા સાંભળવાના રહી જાય અને દિવસ આખો આ કોરોનાની લપમાં જ નીકળી જાય. લોકો ઉઠે ત્યારથી સુવે ત્યાં સુધી એક જ વાત કરતા હોય છે. લોકો એક થાળી ભોજન દાન કરશે અને આખું ઘર ફોટોસ પાડીને ગામ ગજાવશે. કાલે જો સરકાર ફ્રીમાં કોઈ વસ્તુની દુકાન લાવે તો લોકો એમાં પણ પડાપડી કરીને એક બીજાને મારી-કૂટીને વસ્તુઓ લઇ આવે. એવામાં મીઠાનાં રણમાં એક વીરડી સમાન વાત જોઈએ.

કિશનભાઇ છાયા, રાજકોટની 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપું છું. ચાર દિવસ પહેલા જયારે એક દર્દીને 108માં હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે ઘરે થી ફોન આવ્યો કે જલ્દી આવી જાવ પપ્પાની તબિયત બહુ જ બગડી છે.
પણ, દર્દીને હોસ્ટિપટલ પહોંચાડીને ઘરે પહોંચ્યો ત્યા સુધી પપ્પાએ મારી રાહ ન જોઈ. એમણે વિદાઈ લઇ લીધેલી. કોરોના વાઇરસથી કદાચ આવતી કાલે મુક્ત પણ થઇ જવાય પણ, આ અફસોસ તો જિંદગીભર સાથે જ રહેવાનો.

ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે તમારા પિતાનું અવસાન થયું છે તો તમારી 10 દિવસની રજા મંજૂર કરીએ છીએ તમે 10 દિવસ પરિવાર સાથે ઘરે રહો. પણ મને થયું કે ઘરે રહેવાથી મારા પિતાજી પાછા તો નથી આવી જવાના? અને આ સમયમાં 108ની કેટલી તાતી જરૂર છે એ આપણે સૌ જાણીએ છીએ. કોઈ બીજા વાહનો જ્યાં બંધ હોય ત્યાં 108 ધમધમતી રહે છે. હું કદાચ કોઈ બીજાના પિતાની જિંદગી બચાવી શકું, કદાચ કોઈના પિતાજીને એના દીકરાની રાહ જોતા શ્વાસ ન છૂટી જાય એ માટે હું બીજા જ દિવસે ફરજ પર હાજર થઇ ગયો. આ કોઈ વાહ વાહ લૂંટવાની વાત નથી, પણ વાત છે જયારે આપણે બધા મારુ મારુ કરવામાં છીએ અને સમય સારો નથી જો બધા એક સરખા થઇ જઈએ તો ધરતી રસાતળ જાય. કોઈએ તો કર્મની ધજા પકડી રાખવી જ રહી. શરૂઆત કોણે કરી એ જરૂરી નથી પણ એનો ભાગ બનવું જરૂરી છે.

આવા ફ્રન્ટ લાઈન વોરિયર્સને બિરદાવવાની તમને ઈચ્છા તો જરૂર થશે? શું કરવું એના માટે? એક જ વિકલ્પ છે ઘરમાં જ રહી ને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરીએ.

अपनी आँखें देके एक नमाज़ी को,
काफ़िर होकर भी हम जन्नत देखेंगे!!-હર્ષિત મિશ્રા