#411 Corona Warriors, Nasrin Belim

By Faces of Rajkot, May 10, 2020

બહુ થયું? મકરજના તબ્લીગી સમાજના સમાચાર કે વધતા જતા કોરોના ની વાત વાંચીને થયું કે ભાઈ બહુ થયું હવે અને પછી સોશિઅલ મીડિયા પર જે પવન ફૂંકાયો, આમ કરી નાખો ને તેમ કરી નાખો. ઘરના પલંગ પર ચાદર પણ સરખી ન કરી શકનારાઓ કે સોફા પર સીધા ન બેસી શકનારાઓ મોદી અને યોગીજીને સલાહો આપવા મંડ્યા. સૂકા ભેગું લીલું ય બાળી નાખ્યું. જો અંદરની આગ હોલવાઈ ગઈ હોય તો આ બાજુ નજર કરીયે?

હું પણ રાજકોટનો જ ચેહરો અને રાજકોટ મારુ ઘર, નસરીન જુનૈદ બોલીમ, મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છું. હું જ્યાં જઉં ત્યાં લોકો એક જ વાત કરતા જોવા મળે છે કે લોકોમાં સમજ જ નથી, બહાર નીકળવું જ ન જોઈએ લોકડાઉનમાં, ખબર નહિ લોકો શું કામ નથી સમજતા. જો બધા લોકો એટલા જ સમજદાર હોય તો ગામમાં પોલીસને પહેરો શું કામ દેવો પડે છે? જરીક ડોકિયું કરી આવવાની લાલચ કાબુમાં કેમ નથી રહેતી? લોકડાઉનમાં એવું તો તમે શું જોઈ લેવાના છો કે રહી જશો જોયા વિના? ૭ મહિનાનો ગર્ભ લઈને પણ રોજ સમયસર અચૂક ફરજ પર આવી જાઉં છું અને રસ્તા પર ખડે પગે ઉભા રહીને ફરજ બજાવું છું. જો તમે અંદર રહી શકતા હોત તો મારે બહાર આવવાની જરૂર જ ન હોત. હું પણ આરામથી રજા લઈને ઘેર કે હોસ્પિટલમાં આરામ કરતી હોત અને ટીવી પર રાજકોટની સુમશાન શેરીઓ જોતી હોત.
કલ્પનોથી વિચિત્ર હોય છે હકીકત, મને તો મારાં ઘરના કહે જ છે કે શું જરૂર છે આવી સ્થિતિમાં નોકરીએ જવાની, પણ મને એમ થાય છે કે જો હું આવા કપરા સમયે મારા રાજકોટનો સાથ ન આપું તો મારા ગર્ભમાં રહેલા બાળક પર શું સંસ્કાર પડશે? નોકરી સ્વીકારતા પહેલા લીધેલી શપથ નું શું? મારી તબિયત ઠીક નથી એમ રજા લઈને બીજાને છેતરી તો લઈએ પણ જાતને કેમ છેતરવી? રાજકોટ છે સાહેબ, અને લોહીનો રંગ “ખાખી” રાખ્યો છે.

ફેઈસીસ ઓફ રાજકોટના વિશ્વ માતૃ દિવસે નસરીનબેન ના માતૃત્વને વંદન.

એક તરફ અલ્લાહો અકબર , બીજો નાદ અલખ – નિરંજન !
ક્યાં પહોંચે છે બે ય અવાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !

ધર્મ પતંગોની દોરી પર માથા કાપી નાખે એવો ,
કોણ ચડાવે છે આ માંજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
-કાયમ હજારી