સવારનાં ઉઠીયે ત્યાંથી નેગેટિવ સમાચારો શરુ થઇ જાય છે તે છેક રાત્રે પથારીએ પડીયે ત્યાં સુધી સતત આપણા મગજ પર ધબધબાટ પડતા જ રહે છે. કોઈ ટીવી જોવાનું બંધ કરે તો મોબાઈલમાં શરુ થઇ જાય અને જો મોબાઈલ મૂકે તો પડોશી આવીને મમરો મૂકી જાય. સમાચાર સામે કોઈ તકલીફ નથી પણ નેગેટિવ સમાચારો જે હંમેશા નકારાત્મકતા લઈને જ આવે છે એ દિલ દિમાગ પર અસર કરે છે. ખાસ કરીને બાળકોને, એક તો લોકડાઉનમાં ઘરથી નીકળવાનું બંધ, મિત્રો સાથે રમવાનું કે નિશાળે જવાનું બંધ અને ઉપરથી સમાચારો કોણ ગયા ને કેટલા ગયા. એવામાં હું રાજકોટ માટે થોડીક પોઝિટિવિટી લાવ્યો છું.
મારુ નામ નિશિલ સાવલા, ઉંમર ૧૭ વર્ષ, જ્યારે ૧૩ વર્ષનો હતો ત્યારે એક વખત નિશાળેથી પરત આવતી વખતે મને વિચાર આવ્યો કે મારી પોતાની લાઇબ્રરી હોય તો? મેં મારા પપ્પાને કહ્યું અને પપ્પાએ કહ્યું કે બેટા રાજકોટમાં લાઇબ્રરીઓ તો ઘણી છે, તું એવું તે શું કરીશ કે લોકો તારી પાસે આવે? પછી શરુ થયું મારી સોસાઈટીના નાકે “પુસ્તક પરબ”. માત્ર 10 બૂક્સ થી શરુ થયેલી આ સ્ટ્રીટ લાઈબ્રેરી ટુંક સમયમાં 180 પુસ્તકોનો ભંડાર બની ગઈ. દર રવિવારે હું ઝાડના છાંયડે બેસીને 11 થી 2 આ લાઈબ્રેરી ચલાવતો, મારા મિત્રો, સોસાઈટીના રહીશો આવે, ઝાડના છાંયે બેસીને ઘડીભર આરામ કરી રિલેક્સ થાય અને મારા પુસ્તકો વાંચે. ત્રણ વર્ષ સુધી મેં આ પુસ્તકાલય ચલાવ્યું. પણ અભ્યાસ ને કારણે મેં આ પ્રવૃતિ બંધ કરી. પણ જેમને વાંચવાનો શોખ છે એ લોકો હજું પણ મારા ઘરેથી પુસ્તકો લઈ જાય છે.
આ પુસ્તક પરબની નોંધ અને વિઝીટ ઘણા લોકોએ લીધેલી છે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જાન્યુઆરી 2020 માં બેસ્ટ રીડરનો એવોર્ડ પણ મળ્યો છે. લોકો દેશની જુદી જુદી જગ્યાએથી પુસ્તકોની ભેંટ મોકલે છે. ક્યારેક લોકો સામે ચાલીને આવે છે અને પુસ્તકો આપી જાય છે. લોકો ઘણી વાર પૂછે છે કે એમાં શું મળે?
લોકો જયારે વૃક્ષનાં છાંયે આવીને બેસીને પુસ્તક હાથમાં લે ત્યારે એમના ચેહરા પર જે ખુશી આવે છે એ કદાચ કોઈ એ.સી.લાઇબ્રેરીની અંદર બેસી ને પણ ન મળે એની રાજકોટી ગેરેન્ટી. કંઈક અલગ કરવું હોય તો રાજકોટ પાસેથી શીખવું.
છે પરાકાષ્ઠા ઋણાનુબંધની
પંખીએ બાંધ્યો છે માળો બાંકડા પર
– ભાવેશ ભટ્ટ
Recent Comments