#413 Sona group and their philanthropy

By Faces of Rajkot, May 25, 2020

“ભાગ અહિંયાથી, 10 રૂપિયામાં કોઈ શાક ન આવે” એવું મોટા અવાજે કાને પડ્યું અને બધાનું ધ્યાન એ બાજુ ગયું. એક નાનકડી બિચારી છોકરીનો દસ રૂપિયા આપતો ભોંઠો પડેલો હાથ જોયો. એ તો બિચારી એટલી ગભરાઈ ગઈ અને શરમ આવી કે ઊંચું માથું ઉપાડીને ન જોયું અને ભીની આંખે જે દિશામાંથી આવી એ દિશામાં રડતી રડતી જતી રહી. ત્યાં ઉભેલા એક ભાઈનું આ જોઈને હૃદય ભીનું થઇ ગયું. એક તો આ મહામારીનો સમય જ્યાં માણસાઈના લોકો દીવા કરતાં થયા અને એક બાજુ આ? અને એ પણ રાજકોટમાં ભરી બજારે કોઈ દીકરીને સરેઆમ તતડાવી નાખે?

 

મારાથી જોયું ન ગયું, મારા ગ્રુપ (સોના ગ્રુપ) ના બધાં જ સભ્યો આગળ વાત કરી. આ સભ્યો એટલે કોઈ માંધાતા નથી પણ કોઈને વડાપાઉંની લારી છે તો કોઈ ને નાની દુકાન તો કોઈ વળી વાહન ચલાવતું હોય. બધાએ ભેગા થઈને રાજકોટ યાર્ડમાંથી શાક ખરીદી લાવ્યાં. આજુબાજુની મહિલાઓની મદદ માંગી અને એમની જૂની સાડીઓની થેલીઓ બનાવી ને રોજની 600-700 શાકની થેલીઓનું વિતરણ શરુ કરી દીધું. 2 દિવસ ચાલે એટલું શાક એક થેલીમાં જાય અને ખાલી થાય એટલે થેલી આપીને બીજી લઇ જવાની. એજ થેલીને ડિસઇન્ફેક્ટન્ટમાં સાફ કરીને ફરી વાપરવાની.

 

આ શરુ થયું લોકડાઉનના ત્રીજા દિવસથી જ અને પછી તો માર્કેટયાર્ડ પણ બંધ થઇ ગયા કોઈ એ કહ્યું કે શાક તો મળી જાય પણ અનાજ, રોટલી કે છાસ દૂધની તકલીફ થાય છે. એ સાંભળીને બપોર અને સાંજનું ભોજન શરુ કર્યું. બપોરે શાક રોટલી અને છાસ અને સાંજે શાક રોટલી ખીચડીને છાસ લોકો ધરાઈને જમે અને અમૃતનો ઓડકાર અમને આવે.

 

આજે સાંજે એક કારીગરને નાનું અમથું રીપેરીંગ કામ કરવા બોલાવેલો એને ચાર ગણા પૈસા માંગ્યા પૂછતાં જવાબ મળ્યો કે કમાવાની સીઝન તો હવે શરુ થઇ છે અને ખંધુ હસીને પૈસા ખીસામાં નાખીને ચાલતો થયો એવામાં કોઈ પણ મદદ વિના પોતાની ટૂંકી આવકમાંથી જ આ સેવાનું કાર્ય કરતાં આ ગ્રુપને ધન્યવાદ આપવા પડે. રતન ટાટા 1500 કરોડ આપે તો એને પોસાય પણ રોજનું કમાતા હોય અને એમાંથી પણ પૈસા વાપરી જાણે એજ રાજકોટ દાનવીર કર્ણો…

 

અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે,

હું જીવતાં મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે, …

 

ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં, પહોંચ્યોં હું મારા અનાગત સુધી અપેક્ષાઓ રાખી

હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કા ઝરણ એકબે

-રમેશ પારેખ