#414 Anil Bhatt, Teacher turns Vegetable vendor

By Faces of Rajkot, August 3, 2020

આ મહામારીએ ઘણી જિંદગીઓ બદલી નાંખી, કોઈ રાતોરાત રસ્તા પર આવી ગયું તો કોઈ રાતોરાત હીરો બની ગયા. એવું જ કંઈક મારી જિંદગીમાં પણ બન્યું.

 

અનિલ ભટ્ટ, 25 વર્ષથી રાજકોટમાં અંગ્રેજી ભણાવું છું અને એક પ્રાઇવેટ શાળાનો પ્રિન્સિપાલ છું પરંતુ કોરોનાને કારણે બધી આવક ઠપ્પ થઇ ગઈ. થોડો સમય તો ચાલ્યું પણ પછી તંગી પાડવા લાગી એટલે પ્રાઇવેટ ટ્યૂશન માટે વાલીઓનો સંપર્ક કર્યો, તો ત્યાં પણ મારા જેવી જ પરિસ્થિતિ હતી એટલે એ લોકો એ પણ ઘસીને ના પાડી દીધી. એક મેડિકલ સ્ટોરમાં નોકરી માટે પૂછ્યું તો કલાકના રૂ 25 કીધા, એટલે ત્યાં પણ પડતું મૂકીને એક મિત્રની મદદ માંગી. એની હાલત પણ મારી જેમ જ હતી અને બંને એ મળીને ઓછા મૂડી રોકોણમાં કોઈ ધંધો શરુ કરવાનું વિચાર્યું.

એક વાર તો એમ થાય કે કોઈ શાળાનો પ્રિન્સિપાલ શાકની રેંકડી લઈને જતો હૉય તો કેવું લાગે? પણ મહેનત કરવાથી શરમાવું શું કામ? અને જે લોકો મારી વાતો કરશે એ કઈ મારી થાળીમાં દાળ રોટલો તો નથી મૂકી જવાના દરરોજ. એટલે પુરી ધગશ સાથે શાકભાજીની રેંકડી શરુ કરી, થોડો સમય લાગ્યો શીખવા માટે પણ હવે રોજના 3000 રૂપિયા સુધીના શાક વેંચુ છું અને હજાર રૂપિયા સુધી રળી લઉં છું એ પણ માત્ર સાંજે 4 થી 8 ના સમયમાં જ.

“ચાહ ત્યાં રાહ” એ રીતે રસ્તો મળી ગયો અને મારુ જીવન ફરીથી યથાવત શરુ થયું, મારી દીકરી ફેશન ડિઝાઇનિંગમાં છે અને એને પણ મને માર્કેટિંગના થોડા કીમિયાંઓ બતાવ્યા. આજે 50 વર્ષની ઉંમરે પણ હજુ નવયુવાન જેટલું જ જોશ છે. કોઈ નશીબ ને દોષ આપીને બેસી જવાથી આપણા ઘરમાં રાશન નથી પૂરું પાડવાનું અને સરકાર પાસેથી કેટલી આશાઓ રાખશો? તમારે તમારી જવાબદારીઓ જાતે જ ઉપાડવી રહી.

સમય સાથે બદલાતા રહેવું એવું નદીઓ પણ વહેતા વહેતા શીખવતી જાય છે, મારા ભણાવેલા વિદ્યાર્થીઓ આજે પણ દેશ-વિદેશથી ફોન કરીને એમની સ્ટ્રગલની વાત કરે છે ત્યારે એમને મારુ ઉદાહરણ આપું છું કે વહેતા રહો માર્ગ આપોઆપ બનતો જશે.

मुझे पतझड़ की कहानियां…सुना कर उदास न कर ऐ – “जिंदगी”…

अब तू नए मौसम का पता बता…जो गुज़र गया वो गुज़र गया…