મારુ નામ દિલદાન ગઢવી, ગઢવી પુત્ર એટલે સાહિત્ય અને કલા ગળથુંથીમાં જ મળેલા, જરૂર હતી માત્ર અભિવ્યક્તિની. સામાન્ય રીતે તમે ચારણ પુત્રને જાહેર કાર્યક્રમો કરતા જુઓ, એની વાણીમાં ઘોળાતો જાદુ પથરાય એટલે લોકો મંત્રમુગ્ધ બની જાય, પરંતુ મારે સરકારી નોકરી એટલા માટે રોજ ના જાહેર કાર્યક્રમો પરવડે જ નહિ. ત્યારે મારા મિત્ર એ કહ્યું કે તમે સંકલન કરો, કોઈ જોક્સની સ્ક્રિપ્ટ લખો. બસ પછી શરુ થઇ મારી સાહિત્યની સફર.
ધીરુભાઈ સરવૈયાની કૅસેટ “લગ્ન છે કે ધીંગાણું”થી શરુ થયેલી સફર આજ પર્યન્ત ચાલુ છે. સાંઈરામ દવે, રાજુભાઈ ગઢવી, પ્રફુલ્લ જોશી, ચંદ્રેશ ગઢવી, તેજશ પટેલ, ધીરુભાઈ સરવૈયાની 2000 સાલ પછીની દરેક કૅસેટ કે પ્રોગ્રામમાં મારુ સંકલન કે સ્ક્રિપ્ટ તમને સાંભળવા મળશે. નોકરી સાથે સાહિત્યને પણ ન્યાય મળી રહે અને મારુ ગઢવીપણુ પણ જળવાઈ રહે એટલો સંતોષ હું આજે લઇ શકું છું. કેટકેટલા ટાઈટલો મેં આપ્યા છે જેમ કે લગ્ન હોય કે ધીંગાણું, ચાઇનીસ લગ્ન, મોબાઈલ છે કેમ મુસીબત, પ્રેમ એટલે વ્હેમ, પ્રેમની પાઠશાળા, કારણ વગરનું રાજકારણ, નોટબંધી, એમ કરીને 100 જેટલા અલબમોમાં મારો ફાળો આપ્યો છે. ગામડાંની સ્ટાઈલમાં, તળપદી ભાષામાં થયેલી રમુજી વાતો દર્શકો સમક્ષ રજુ કરી છે. રામ ઑડિઓ કંપનીના માલિક સંજય ભાઈ પટેલ ને કારણે મારી હાસ્યકલાને ઓળખ મળી અને આ ક્ષેત્રે આવ્યો છું.
એક વાત જરૂર કહીશ કે દરેકે દરેક વ્યક્તિએ મંચ પર જવાની જરૂર નથી, લોકો બેકગ્રાઉન્ડમાં રહીને પણ પોતાનું નામ ગજવી શકે છે. આજે રાજકોટમાં કોઈ દુકાનની સેવ ખમણી કે કોઈ જગ્યાના ઘૂઘરા સમોસા બહુ જ વખણાતા હશે, પણ નોંધ લેજો કે એ જગ્યા એ વસ્તુ નથી બનાવતી, એ રસોયા જે રસોઈમાં કામ કરે છે એને કારણે એ જગ્યા પ્રસિદ્ધિ પામે છે. કોઈ ઘટાટોપ વડલો જોઈને “અહા” નીકળી જાય ત્યારે એ બીજને જરૂર યાદ કરજો જેના થકી આ વડલો ઉભો છે.
મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ….
– રઈશ મનીઆર
Recent Comments