#419 Devit Dhruva and his masks

By Faces of Rajkot, September 8, 2020

માસ્ક, પી.પી.ઈ., સેનિટાઇઝર જેવા શબ્દો બહુ જ ગવાઇ ગયા આ વર્ષે પરંતુ કોઈ કહે છે કે આ સુરક્ષિત છે તો બીજા દિવસે કોઈ એને નાકામ પૂરવાર કરે છે. કોઈ કહે છે કે માસ્ક એક વાર વાપરીને ફેંકી દેવા જોઈએ. પણ આ ડિસ્પોઝેબલ માસ્ક થી પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ વિચાર પણ કરવો જોઈએ ને? આવામાં રાજકોટનો એવો તો શું ફાળો છે કે જે લોકોને સાચી જાણકારી અને કોઈ સચોટ વસ્તુ માર્કેટમાં લાવે? એમાં રાજકોટે પણ પોતાનું આગવું સંશોધન નોંધાવ્યું છે.

 

મારુ નામ દેવીત ધ્રુવ , અત્યારે મારવાડી કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ સાથે જોડાયેલો છું. 2011માં પી.એચ.ડી. કર્યા બાદ ઘણાં પ્રોજેક્ટ્સ કર્યા જેમાં યન્ગેસ્ટ ગાંધીયન એવોર્ડ રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યો છે. ઘણા પબ્લિકેશન સાથે પેટન્ટ પણ ઘણી કરાવી છે જે ઘણી જ જૂજ છે. ફિઝિક્સમાં તો ઘણાં પ્રોજેક્ટ થયા પરંતુ બાયો-ફિઝિક્સમાં ક્યારેય અનુભવ નહોતો જયારે યુનિવર્સીટીએ કોરોના વાઇરસને લીધે એ દિશામાં કામ કરવા માટે પ્રેર્યાં ત્યારે જુદા જુદા મટિરિયલના નેનો પાર્ટિકલ પર રિસર્ચ શરુ કર્યું. ચાંદી અને તાંબાના મટીરીઅલ પર કોઈ પણ વાઇરસ ટકી શકતા, આપણે કોઈ કોરોનગ્રસ્ત વ્યકિતએ અડકેલી વસ્તુ નથી અડકતા, પરંતુ જો એ કૉપર કે ચાંદી નું વાસણ હોય તો આ વાઇરસ એ સપાટી પર વધુ ટકી શકતો નથી. એટલે એવો વિચાર આવ્યો કે આ જ વસ્તુ નો ઉપયોગ જો માસ્ક બનાવવામાં થાય તો ઘણો ફાયદો થાય. આપણે જે માસ્ક 5-6 કલાક ઉપયોગ કરીને ફેંકી દઈએ છે જે પર્યાવરણ માટે પણ હાનિકારક છે તેના બદલે જો આ મટીરીઅલનો ઉપયોગ કરીયે તો ઓછામાં ઓછા 50 દિવસ સુધી એક જ માસ્કનો ઉપયોગ કરી શકાય.

 

બીજી મુશ્કેલી એ નડી કે જો ચાંદી અને તાંબાના નેનો પાર્ટિકલ્સનું કોટિંગ કાપડ પર કરીયે તો એ માસ્કથી શ્વાસમાં અંદર જવાનો ભય રહે, ફરીથી રાત દિવસનું રિસર્ચ શરુ થયું અને એક અલગ જ પ્રકારનું બાઈન્ડીંગ તૈયાર કર્યું જેનાથી પાર્ટિકલ્સ ગમે તેટલું ધોઈએ તો પણ કાપડની સપાટી છોડતાં નથી.

 

આ ખાલી એક જ લાઈનમાં કહેવાતી વાતની પાછળ દિવસરાતની અથાગ મહેનત, મારવાડી કોલેજના મેનેજમેન્ટની ધગશ અને મારા વિદ્યાર્થીનો સહકાર અવર્ણનીય છે. આ માસ્કનું આજે રાજકોટમાં જ પ્રોડક્શન થઇ રહ્યું છે.

આ કોરોના તો કદાચ એકાદ વર્ષમાં નાબૂદ પણ થઇ જશે, કદાચ શું કામ? થઇ જ જશે જો આપણે આવી જ રીતે મહેનત કરતા રહીયે તો પરંતુ બીજા જે રાજકોટનાં પ્રોબ્લેમ્સ છે જેમ કે પ્રદુષણ એના માટે પણ સંશોધન ચાલુ છે. મારા એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ સાથેનો પ્રોજેક્ટ છે કે આપણે દીવાલો પર રંગનું એવું કોટીંગ કરીયે કે જેના પર તડકો પડતાની સાથે જ એમાં રહેલા ઉદ્વિપકો કાર્યશીલ બનીને કાર્બન ડાયોકસાઇડ ને ઓક્સીજનમાં પરિવર્તિત કરે. જો આ શક્ય બને તો રાજકોટનો જ નહિ પરંતુ દુનિયાનો એક બહુ જ અગત્યની સમસ્યાનો અંત આવી જશે. અને વિચારો આનું શિરમોર રાજકોટ બનશે. માત્ર મનુષ્યજાતિ માટે જ નહી પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે એક અગત્યની શોધ બની રહેશે.

 

રાજકોટ નાં દરેક વડીલો, મિત્રો અને બાળકો ને એક અગત્યની આગ્રહભરી વિનંતી છે કે આપણી તબિયત, આપણા સ્વાસ્થ્ય માટે મહેનત કરનારા સફાઈ કામદારો, પોલીસ, મેડિકલ સ્ટાફ કે ડોક્ટર ની સલાહ માનીએ, કારણ વગર ઘરની બહાર ન નીકળવું, વ્યવસ્થિત રીતે માસ્ક પહેરીને જ નીકળવું, દરેક વ્યક્તિ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું. આટલું પણ આપણે ધ્યાન રાખીશું તો કોરોના સામે જંગ જીતતા વાર નહીં લાગે.