#420 Het & Kavya Joshi
By Faces of Rajkot, September 20, 2020
હું જયારે દસમા ધોરણમાં હતો ત્યારે મને કોઈ સેનેટરી પેડ કે મેન્સ્ટ્રુએશન સાઇકલનું નામ પણ બોલે તો શરમ આવતી, આડું જોઈ જતાં અથવા તો ઘરનો બીજો ખૂણો પકડી લેતો. આજે પણ યાદ છે ઘરની સ્ત્રીઓ જુના કપડાં સાચવી રાખતી અને એજ વાપરતી પરંતુ એ જૂનું રાજકોટ હવે નથી રહયું. લોકો ખુલીને સ્વાસ્થ્ય અને તેને લગતી વાત કરે છે. ઘરના સભ્યો સાથે પણ શરમ ઓછી થતી જાય છે અને એનો ફાયદો મહિલાઓને થયો. પરંતુ આસપાસના ગામડાઓમાં હજી પણ એજ જુના રીતિ રિવાજો અને એજ કપડાં, ઘાસ, ભૂસાનું ચલણ છે. જોતા આત્મા કંપી ઉઠે કે એમાં તો કેટકેટલા રોગો અને ઇન્ફેક્શનને સીધું જ નિમંત્રણ છે અને આ તો દર મહિને રિપીટ થવાનું.
દસમાં ધોરણમાં હતાં ત્યારે અમને રાજકોટની બાજુના ખખાણાં ગામે સ્કૂલ તરફથી લઇ ગયેલા. ત્યાંની મહિલાઓને મેલા જુના અને રોગોથી લથબથતા કપડાંનો ઉપયોગ કરતાં જોઈને હૃદય દ્રવી ઉઠ્યું. આ મહિલાઓ ઘરમાં પૂરતી સગવડ ન હોવાથી બહાર જાજરુના ઉપયોગ માટે જતી અને આવી પરિસ્થિતિમાં તો કેવી રીતે જતી હશે અને કેમ કોઈ ને જરા પણ પરવાહ નહિ થતી હોય. હદ તો ત્યારે થઇ જયારે લોકડાઉન થયું હવે બહાર કેમ જવું? ત્યારે લાગ્યું કે બસ બહુ થયું કશું ક કરવું જ પડશે. આમ હાથ પર હાથ ધરીને બેસવાથી અને કોઈ કશું કરશે એમ માની ને આજે આઝાદી 70 વર્ષને પાર કરી ગઈ.
હેત જોશી, કાવ્ય જોશી અને સંજના કોઠારી, ઉમર પંદર થી સત્તર વર્ષ , દસમાની પરીક્ષા પુરી થઇ અને લોકડાઉન શરુ થયું. મહિલાઓ માટે નાઈન સેનેટરી પેડ નામની દિલ્હી સ્થિત કંપની પાસેથી સ્પોન્સર લાવી અને 500 મહિલાઓ માટે 3000 થી વધુ સેનેટરી પૅડ્સનું વિતરણ શરુ કર્યું. એટલું જ નહિ એમના માટે પૅડ્સ માટે જાગૃતતા લાવવી જરૂરી હતી એના ફાયદા અને કપડાના નુકશાન સમજાવવા એટલું સરળ નહોતું. જે વર્ષોની માન્યતા હોય એને તોડતાં અને બદલતાં ઘણા જ પ્રયત્નો લાગે છે. ઘણીવાર પુરુષોની હાજરીમાં મહિલાઓ સંકોચાતી એ માટે કેમ્પસ કર્યા. અદિરા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને મહિલાઓને સમજવાની સાથે સેનેટરી પૅડ્સ આપવામાં આવ્યા.
ઘણી મહિલાઓને તો સેનેટરી પૅડ્સ વિષે કોઈ જ ખ્યાલ નહોતો, ઘણા ગામોમાં તો તદ્દન મળતા જ નથી, કેટલીક મહિલાઓ તો અમારો વિરોધ પણ કર્યો પરંતુ આ બધી વાતનો ખ્યાલ અમને પહેલાથી જ હતો. ધીમે ધીમે લોકો સાથે આવતા ગયા, પુરુષો પણ સમજતાં થયા. ભારતમાં માત્ર 6% મહિલાઓ જ સેનેટરી પૅડ્સ નો ઉપયોગ કરે છે તો તમે અંદાજ લગાવી શકશો કે હજુ કેટલું કામ થવાનું બાકી છે.
તમારી આસપાસ, કોઈ ઘરકામ કરતા, મજૂરી કે અન્ય કામ કરતી મહિલાઓ જેને આ પૅડ્સ પરવડે એમ ન હોય એમને અમારો સંપર્ક સાધવા માટે મહેરબાની કરીને પ્રોત્સાહિત કરશો. આ કપડાના ઉપયોગને લીધે લાંબા સમયે થતી બીમારીઓનો ઈલાજ કરવો મુશ્કેલ અને ખર્ચાળ પણ હોય છે. અને પૅડ્સના ઉપયોગ બાદ તેમની જિંદગીમાં આવતા ફેરફારો, કામ કરવામાં સરળતા, અને હેલ્થને લગતા અનેક ફાયદાઓ અમે એમને જાણવશું. આ આંગળી ચીંધ્યાંનું પુણ્ય આ માહિતી શૅર કરીને લેશો.
કાયામાં ઝીણું કળતર, જો થાય તો ભલે થાય.
પીડા વડે જ ઘડતર, જો થાય તો ભલે થાય.
~ ધ્રુવ દેસાઈ
Related
Recent Comments