#424 Haritrushi Purohit
By Faces of Rajkot, November 19, 2020
વાત છે 1994-95 ની, ત્યારે આ ઈન્ટરનેટ, ફેસબુક કે મોબાઈલ ફોન જેવું કશું જ નહોતું, છાપામાં મેં સિદ્ધિ સિમેન્ટની એક સ્પર્ધા જોઈ કે જેમાં કંપની માટે સ્લોગન લખવાનું હતું. ભલે હું સાઈન્સમાં ભણતો પરંતુ આર્ટસ પ્રત્યે એક અલગ જ લગાવ હતો, નાનપણથી જ ટીવીમાં આવતી જાહેરાતોની જીંગલ્સ કે છાપામાં આવતી એડ્સના સ્લોગન મને ગમતાં. સિદ્ધિ સિમેન્ટની સ્પર્ધામાં મારો ત્રીજો નંબર આવ્યો અને ત્યારથી મને કોપીરાઇટ્સ, જીંગલ્સ, વન લાઈનર્સ, પંચ લાઈન વિષે સમજણ પડી.
હારિત રીષિ પુરોહિત, રાજકોટ શહેરની ચકમકતી સડકોમાં યુવાન વયે ઘણું જ શીખવી દીધું. રાજકોટમાં તમને ભાત-ભાતના લોકો જોવા મળે, એના વિષે જાણવું, લખવું, અને માણવું એ શોખ પહેલાથી જ રહ્યો છે. આ બધું જ એક પઝલ જેવું હોય છે જેમ જેમ તમે કરિયરમાં આગળ વધતા જાઓ તેમ તેમ તમને આ પઝલના ટુકડાઓ જોડાતા જોવા મળે, એજ પ્રસંગો જે ભૂતકાળમાં તમે જીવી ગયા હોય કે શીખી ગયા હોય એ કોઈ જગ્યા એ કામ લાગે અને એ પઝલનો ટુકડો આપમેળે જ એની જગ્યાએ ગોઠવાઈ જવાનો અનેરો સંતોષ મળે.
રાજકોટને કર્મભૂમિ બનાવીને એડવેરટાઈસમેન્ટની ઝીણામાં ઝીણી વિગત સમજી અને કામ કરવાનું શરુ કર્યું. “સેવન્થ સેન્સ” એટલે કે સાતમી ઇન્દ્રિય નામની પ્રોડક્શન કંપની સ્થાપી. હાથી મસાલા, માણેકચંદ જેવી અનેક જાહેરાતો માટે કામ કર્યું અને સફળતા મેળવી. તમે જે 20-30 સેકન્ડની એડ જુઓ એની પાછળ 50-60 દિવસની મહેનત હોય છે. કાસ્ટિંગ, લોકેશનથી માંડીને ઍડસના પંચ લાઈન સુધીની તમામ મહેનત એકલા હાથે કરી છે. અનુભવના ઘૂંટડા પીધા પછી ખબર પડી કે શીખવા માટે ન તો કોઈ ઉંમરની જરૂર પડે છે કે ન તો કોઈ ડિગ્રી.
મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં રહીને કામ કર્યું છે. જાહેરાતોની 30 સેકન્ડની વાડ તોડીને 3 કલાકની ફિલ્મ બનાવવાનું સ્વપ્ન પણ હતું મારા પરમ મિત્ર મયુરસિંહ જાડેજા સાથે બેસીને ગુજરાતી ફિલ્મની ક્વોલિટી વિષે ચર્ચા કરી, શું ખૂટે છે એની પણ વાત થઇ અને પરિણામ રૂપે બની “આપણે તો ધીરુભાઈ”, જેમાં વ્રજેશ હીરજી સાથે કામ કર્યું . 25 અઠવાડિયા આ ફિલ્મ થિએટરમાં ચાલી અને ખુબ જ વખણાઈ. લેખન અને દિગ્દર્શન બંને કામ મેં જાતે સાંભળ્યા હતાં. “હેલ્લારો” ફિલ્મના જાણીતા જયેશ મોરેને ફિલ્મોમાં બ્રેક આપ્યો અને એ પણ સેવન્થ સેન્સની એક આગવી ઓળખાણ છે કે તમે ટેલેન્ટ તમારી સાતમી ઇન્દ્રિયથી પારખી શકો. ત્યાર બાદ લગાન ફેમ અપૂર્વ લાખિયા સાથે મળીને શોર્ટ ફિલ્મ બનાવી “લેટ ધેમ પ્લૅ” . આ શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કાર્નિવલ્સમાં પ્રદર્શિત થઇ અને એવોર્ડ્સ પણ મળ્યા.
રાજકોટમાં ટેલેન્ટની કોઈ કમી નથી પરંતુ કોઈ વર્કશોપ, ટ્રેનિંગ કે સ્ટેજ પ્રોગ્રામ્સ એટલા નથી થતા જેટલી માત્ર માં ટેલેન્ટ ભરેલું છે. કોઈ ને તક જોઈતી હોય તો સંઘર્ષ કરવો પડે છે અને નસીબ અજમાવવા પડે છે. કોઈ સિસ્ટેમેટિક લેડર નથી કે જેના દ્વારા તમને સતત કામ મળતું રહે કે પછી તમને પ્રગતિ મળતી રહે. છેલ્લામાં છેલ્લું તમારે રાજકોટ છોડીને બીજ શહેરમાં સેટ થવું પડે છે. પરંતુ મારો રાજકોટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થાય, હું મારુ કામ રાજકોટથી જ કરું છું. દુબઈમાં એક આંતરરાષ્ટ્રીય એસાઇન્મેન્ટ માટે શૂટિંગ જલ્દી જ શરુ થવાનું છે જેમાં હું એક માત્ર ગુજરાતી કે ભારતીય હોઈશ બાકી બધા જ કૃ મેમ્બર્સ વિદેશથી હશે, આ એક નવો જ અનુભવ રહેશે. પણ મને ખાતરી છે કે અહીં પણ એજ રાજકોટની ચકમકતી સડકોમાં મળી ચૂકેલા કોઈ વ્યક્તિ જેવું કોઈ તો મળી રહેશે જેનાથી મારી પઝલ પુરી થતી જણાય.
Related
Recent Comments