#425 Darshi Vasavada
By Faces of Rajkot, December 7, 2020
મારું નામ દર્શિ, ત્રણ મહિનાની હતી ત્યારે આંખની તકલીફ થઇ ગઈ અને મારુ વિઝન નબળું પડી ગયેલું, ડૉક્ટરની ભાષામાં કહું તો રેટિનીટીસ પિગ્મેમ્ટોઝા નામની બીમારી થયેલી જેનાથી દેખાતું સાવ બંધ તો નહિ પરંતુ અજવાળામાં થોડું જોઈ શકું. એટલે તમે મને ન તો અંધજનની કૅટેગરીમાં મૂકી શકો અને ન તો સામાન્ય દ્રષ્ટિવાળાની કૅટેગરીમાં, આપણે વચ્ચે ઝૂલતા આગળ વધીશું.
પડતાં ને પાટું લાગે એમ સાત વર્ષની ઉંમરે ડેક્સટ્રોકાર્ડિયા સાઈટસ નામની બીમારી થઇ સામાન્ય ભાષામાં કહું તો નબળી ઇમ્યુન સિસ્ટમ અને નબળા ફેફસાં જેને લીધે વારે ઘડીયે ઉધરસ આવે અને શરદી રહે. બીમારીના નામ પણ કોઈ કોલેજની ડિગ્રી જેવા લીધા નબળું તો માત્ર શરીર જ હતું. આ બધી બીમારીઓ તો કોઠે પડી ગઈ, તમે પહેલીવાર જુઓ તો સહેજ પણ ખ્યાલ ના આવે કે મને કોઈ બીમારી હોય શકે પરંતુ થોડી વાર ધ્યાન થી જુઓ તો ખબર પડે કે મારા હાથ શોધવા પ્રયત્નો કરે છે, ઉધરસ આવે છે.
બીમારીઓએ એનું કામ કર્યું અને મેં મારુ, દસમા ધોરણમાં સ્ટેટ ગવર્મેન્ટના મેરીટ લિસ્ટમાં સ્કોલરશીપ લાવી અને બારમા ધોરણમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની સ્કોલરશીપ મળી, આ શાયદ સામાન્ય દૃષ્ટિ અને દ્રષ્ટિકોણથી અલગ અને ઉપરનું કામ પહેલી વખત કરેલું. રાજકોટની વી વી પી કોલેજમાંથી એન્જિનીયરીન્ગ કરી અને નોકરી પણ કરી. આ બધું તો સૌ સાવ સામાન્ય બધા લોકો કદાચ કરતા જ હોય, પરંતુ જિંદગી તો ત્યારે બદલી જયારે રાજકોટમાં એન્ડેવર કોચિંગ ક્લાસીસમાં XAT ના ક્લાસીસ કરીને MBA કર્યું અને એ પણ આઈ આઈ એમ ઇન્દોર થી. આઈ આઈ એમ ઇન્ડિયા માટે તો ખ્યાતનામ છે જ પરંતુ મારા માટે તો એક માઈલસ્ટોન હતો, મને એવરેસ્ટ સર કર્યાની અનુભૂતિ થઇ.
ઇન્ડિયામાં આમ પણ એજ્યુકેશનને એવેરેસ્ટથી ઓછું ગણવામાં નથી આવતું. ટાટા સ્ટીલમાં નોકરી મળી અને કલકત્તા મારી મેળે એકલી અને કોઈ પણ જાતની મદદ વિના બધું જ કામ જાતે કરતી, કામ પણ કરતી અને ખુશ પણ રહેતી. કોવીડ જેવા મુશ્કિલ સમયમાં પણ જરા પણ અચકાયા વિના નોકરી પણ કરી અને ઘરકામ પણ કર્યું.
મારા નબળા ફેફસાને કારણે કોરોનનો ભય મને વધારે હોવો જોઈએ પરંતુ પૂરતી તકેદારી અને સાવધાની રાખીને મેં મારુ પોતાનું રક્ષણ કર્યું છે. એમ છતાં હું ઘણી બધી વસ્તુ છે જે નથી કરી શકતી કે નહિ કરી શકું પરંતુ તમે?. બોરિયાત ની ઘટમાળમાં ફસાઈ રહેવાની જરૂર નથી એમાંથી બહાર એવો, કૂકરની સીટીઓ ગણીને રસોડા ભણી દોડવાની જાળમાંથી બહાર એવો, માથામાં છવાયેલી સફેદીને મેઘધનુષથી રંગી નાખો પછી જુઓ રાજકોટ ખરેખર કેટલું રંગીલું બને છે. હું રાજકોટ અને ત્યાંના લોકોને એટલા જ મિસ કરું છું જેટલા મારા માતા પિતાને.
બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ?
બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી,
એટલે ઢોળાઈ ગઈ આ શાહીમાં, શું બોલીએ?
– રમેશ પારેખ
Related
Recent Comments