#426 Major Dr Parthik Kalariya

By Faces of Rajkot, January 11, 2021

પરિવારનો એક માત્ર પુત્ર, દોમ દોમ સાહ્યબી, પાણીયારા ઉપર ઉભો રહીને પાણી માંગે અને 2 જણ પાણી આપવા દોડે એટલા લાડ અને જઈ ચડયો સિયાચીનના બર્ફીલા પહાડો પર. જ્યાં સવારના બ્રશ કરવા માટે ટુથપૅસ્ટને 20-25 મિનિટ પાણીમાં ઉકાળવી પડે ત્યારે ઓગળે અને બ્રશ થાય. પાણીનું તો નામોનિશાન ન હોય એટલે બહારથી બરફ લાવીને ઓગાળીને રોજનું કામ શરુ થાય. રોજના કિલોમીટર કાપીને એક પોસ્ટથી બીજી પોસ્ટ સુધી જઈને સૈનિકોને તપાસવાના, દુશ્મનની ગોળીઓથી બચવાનું અને સૌથી મહત્વનું ઑક્સીજનની માત્રા જાળવવાનું. અત્યારે જો આપણે ઓક્સીમીટરમાં 90ની નીચે લેવલ જાય ને હોસ્પિટલ ભણી દોટ મુકીએ છીએ એવામાં સિયાચીનમાં ઑક્સીજન લેવલ 72-78 ની વચ્ચે હોય. સવારે બ્રશ કરી લો ત્યાં શ્વાસ ચડી જાય અને એવું તો દરરોજ ચાલે.

 

રાજકોટની એક એવી વ્યક્તિને મળવાનું થયું કે જેણે સુખ સગવડો પડતા મૂકીને દેશની સેવા કરવાનું નક્કી કર્યું. સેવા કરવા માટે યુનિફોર્મની જરૂર નથી પડતી અને રાજકોટમાં નહિ તો બીજા શહેરમાં કે રાજ્યમાં નોકરી થઇ શકે પરંતુ આ વ્યક્તિએ પસંદગી કરી સિયાચીનની. એમનુ નામ છે મેજર ડૉ.પાર્થિક કાલરીયા. મેડિકલ પૂરું કર્યા બાદ ભારતીય સેનામાં જોડાઈ ગયા. ગુજરાતીને સેનામાં અને એ પણ સિયાચીન જેવા દુર્ગમ વિસ્તારમાં જ્યાં કિલોમીટરો સુધી બરફ સિવાય કશું જોવા ન મળતું હોય એવામાં લોકો સ્વાભાવિક રીતે જ પૂછી લે કેમ આવવાનું થયું!! અને એક ગુજરાતી પાસે હસવા સીવાય કોઈ જવાબ નથી હોતો. તમે જ કહો આ કોઈ અભિમાન લેવા જેવી બાબત પણ નથી અને નીચે જોવાની પણ જરૂર નથી. હા ગુજરાતીઓ સેનામાં નથી જોડાતા પરંતુ ધીમે ધીમે સમય બદલાઈ રહ્યો છે.

 

એક ડોક્ટર તરીકે સેનામાં જોડાઈએ પરંતુ તાલીમ તો દરેક પ્રકારની લેવી પડે. એજ કેટલાય કિલોમીટર સુધી ની દોડ, દોરડા ચડવાના, રોજના 8-10 કલાક શારીરિક પ્રવૃત્તિમાં જાય. આ દરેક વસ્તુ સિયાચીનમાં કામ લાગી. બેઝ કેમ્પથી 108 કિલોમીટર સુધી ચાલીને જવું પડે. જ્યાં બ્રશ કરતા હાંફી જવાતું હોય એવામાં 108 કિલોમીટર ચાલવું એ સરળ નથી હોતું. અને એક એક ડગલું જોખમ ભરેલું હોય છે બરફની તિરાડોમાં જઈ પડીયે તો કશું જ હાથમાં ન આવે. તંબુમાં રહેવાનું અને કેરોસીનના ચૂલા પર બધું ચાલે. હીટર કહો કે ચૂલો બધું એક જ. ભારે હિમવર્ષા થાય એટલે રાત્રે ઉઠીને તંબુ પરથી બરફ પાડવો પડે. ક્યારેક તો એક રાતમાં 8-9 ફૂટ જેટલો બરફ પડે અને તંબુ ફરીથી લગાવવો પડે. આ કેહવું એટલું સરળ છે પરંતુ કોઈ પણ જાતનું શારીરિક કામ અને નીચું ઓક્સીજન લેવલ દરેક કામ અઘરું બનાવે છે. બહારની દુનિયા સાથે કોઈ જ સંપર્ક નથી રહેતો, ફોન, મોબાઈલ, ટીવી, કશું જ ન મળે. માત્ર બરફ જ બરફ. મેમરી લોસ થાય, થાકી જવાય, જો એક દિવસ કસરત ન કરો તો આખું શરીર જકડાય જાય આવી તો અનેક તકલીફો ત્યાં જવાનો ઉઠાવે છે ઉપરાંત દુશ્મનોનો ખતરો તો સતત તોળાયેલો હોય જ. એકવીસ હજાર ફૂટની ઊંચાઈએ બેઠેલા સૈનિકોની શારીરક જ નહિ પણ માનસિક સ્થિતિ પણ સાંભળવાની હોય છે. ડિપ્રેસન જે એક મોટો ચિંતાજનક વિષય છે કેમ કે ત્યાં બરફ અને દુશ્મન સિવાય કશું નથી. માત્ર આશિકો જ આખી રાતો જાગતા હોય એવું નથી, ભારતીય સેનાના જવાનો દિવસ રાત જોયા વિના જાગતા હોય છે.

 

જયારે ઉરીમાં પોસ્ટિંગ હતી ત્યારે પણ યુદ્ધ જેટલો ભયંકર ગોળીબાર દુશ્મન સેનાએ એ કરેલો કેમ કે કેપ્ટન અભિનંદનને પરત સોંપવા પડેલા. આપણી સેનાને શાંત રહેવાના આદેશો હતા એવામાં 25 દિવસ સુધી બંકરમાં અંદર જ રહેવું અને રીતસર માથા ઉપર જ સતત ગોળીબાર થતો રહેતો, કેટલું ભયંકર…! પણ દુશ્મનો ની હાલત કફોડી થાય છે એ જાણીને એમના આ દિવસો પણ આનંદમાં વિતેલા.

 

આ બધું જ સહ્ય બની ગયું માત્ર એક જ ઈચ્છા કે દેશ ની સેવા કરવી, બીજું ગુજરાતના માથે લાગેલું મેણું ભાંગવું કે ગુજરાતી મિલિટરીમાં ન જાય. ન શું જાય એ દુનિયાની સૌથી અઘરી અને ઊંચી પોસ્ટ ઉપર એજ મેણું મારનારાઓનો જીવ બચાવીને પાછા આવેલા એ યાદ રહેવું જોઈએ. ભારતીય સેના પણ તમારી એટલી જ કદર કરે છે, તમે દસ પાસ હોય કે ડોક્ટર દરેકને ઉચ્ચત્તમ સેલેરી સાથે પૂરતું માન સન્માન મળે એનો ખ્યાલ રાખે છે. અને બાકી પ્રેમ, દોસ્તી કે દુશ્મની જે પણ કરશો એક બે ગણી પાછી આપીશું એની ગૅરન્ટી છે.

 

મેજર ડૉ પાર્થિક નો ફક્ત એક મહત્ત્વનો સંદેશ છે કે ગુજરાત અને રાજકોટના યુવાનો, ભારતીય સેનામાં જોડાય જાઓ… જિંદગી જીવી લેવાનો આનંદ અને દેશ સેવાનો સંતોષ કાંઈક અનેરો જ હોય છે.