#429 Yami Kalpesh Surati, Bright star child of Rajkot

By Faces of Rajkot, February 9, 2021

આપણે આપણા બાળકોને થોડું સમજતા થાય એટલે બધું જ શીખવવા માંગતા હોઈએ જેમ કે શિસ્ત- પાલન, સાચું બોલવું, આર્ટ, પેઇન્ટિંગ, મ્યુઝિક, ભ્રસ્ટાચારથી માંડીને અન્યાય સુધીનું બધું જ શીખવી દેવા માંગતા હોય છીએ. પરંતુ બાળકનું મન તો ચંચળ હોય છે અને એનું ધ્યાન અન્ય વસ્તુ તરફ દોરાઈ જવું સ્વાભાવિક જ હોય છે. સાયન્સના વિદ્યાર્થીને શાયદ ખબર હોય આવર્ત કોષ્ટકના તત્વો યાદ રાખતા ને ગોખતા દમ નીકળી જતો. 108 તત્વોનું કોષ્ટક કેવું આકરું લાગતું? મને તો આજે પણ માત્ર પહેલું અને છેલ્લું તત્વ યાદ છે. પરંતુ, એવી કોઈ ટ્રીક ખરી કે બાળકોને શાંતિથી સમજાવી શકાય અને બાળક સમજી પણ લે? હા! એ અવસ્થા છે ગર્ભાવસ્થા અને ભારતમાં તો આનું વર્ષોથી વિજ્ઞાન ચાલતું આવ્યું છે.

 

મારુ નામ કલ્પેશ સુરતી અને મારી દીકરી યામી હજુ બોલતાં પણ નથી શીખી અને ઉમર તો 2 વર્ષ પણ પુરા નથી કર્યા. આવર્ત કોષ્ટકના 42 તત્વોને માત્ર 3 મિનિટ 33 સેકન્ડમાં ઓળખી આપનાર હું ભારતની યંગેસ્ટ વ્યક્તિ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયેલ છે . આવર્ત કોષ્ટકના 108 તો શું 8 તત્વો પણ 20 વર્ષની ઉંમરે મુશ્કેલીથી યાદ રહે છે. આ ઉંમરે યામી રંગોની ઓળખ, રાગ-સંગીત, ગુજરાતી બારાક્ષળી, અલ્ફાબેટ્સ, શ્લોક, દુનિયાના દેશોના રાષ્ટ્રધ્વજ એવું ઘણું બધું આ ઉંમરે પણ ઓળખી બતાવે છે. હવે લોકોને એવું થશે કે આટલી નાની ઉંમરમાં આ બધું શીખવવા માટે કેટલું પ્રેશર આપ્યું હશે !!!

જરા પણ નહિ. આ બધી તૈયારીઓ ગર્ભાવસ્થા દરમિયાન જ શરુ થઇ ગયેલી. ભારતમાં ગર્ભશાસ્ત્રનું વિજ્ઞાન તો અભિમન્યુના વખતથી પ્રચલિત છે. ગાંધીનગરમાં તપોવન કરીને ચિલ્ડ્રન યુનિવર્સિટીની શાખા છે. દુનિયાની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ભારતમાં અને એ પણ માત્ર આપણા ગુજરાતમાં જ છે. જેમાં ગર્ભ દરમિયાન અલગ અલગ મહિને કેવી રીતે બાળકના મગજનો વિકાસ કરવો એ શીખવવામાં આવે છે. પ્રેગ્નેન્ટ સ્ત્રીને ક્યાં મહિને કયો ખોરાક લેવો, કઈ સુગંધ, સ્પર્શ, સંગીત લેવા એના વિભિન્ન સ્ટેજ બનાવેલા છે. જેથી તમારે તો બાળકને જન્મે પછી ખાલી યાદ જ અપાવવાનું રહે છે. બાકી તો એને શીખેલું જ છે. અલગ અલગ પ્રવૃતિઓ જેમ કે પેન્ટિંગ, પઝલ, ક્રાફટ,શ્લોક, હવન, સંગીત, પ્રાણાયામ, શિસ્ત વગેરે જેવા વિષયોના નિષ્ણાતો આવીને ક્લાસીસ આપે છે. દેશના વિદ્વાનો પાસેથી બાળકોને ગર્ભાવસ્થાથી માંડીને 8-10 વર્ષના થાય ત્યાં સુધીનું પ્રશિક્ષણ મળે છે. તમારા બાળકો ભારતનું સુદ્રઢ ભવિષ્ય નક્કી કરે છે. બાળકો એક આદર્શ નાગરીક બનીને જ જન્મ લે છે. એમાં ન તો મગજ પર કોઈ જાતનું ભારણ રહે છે ન તો વાલીઓને પોતાના બાળકોને આગળ રાખવાનું પ્રેશર રહે છે. બાળકો કુદરતી રીતે જ વિકસેલા મગજ સાથે જન્મે છે. આ ગુજરાત સરકારનો એક આગવો અભિગમ છે જેની માહિતી શાયદ બધા પાસે નથી હોતી પણ અત્યંત ઉપયોગી છે.

 

યામીને પોતાની યૂટ્યૂબ ચેનલ છે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે આટલી નાની ઉંમરે પણ એ કેટલી પ્રવૃતિઓ સહેજ પણ માનસિક તણાવ વગર કુદરતી રીતે જ કરે છે. મારી પત્ની અને હું દરરોજ ના 3-4 કલાક યામીને આવી પ્રવૃત્તિમાં સાથ આપવા માટે આપીએ છીએ. રાજકોટના જોમ-જુસ્સા અને ખમીરને ટકાવી રાખવામાટે મજબૂત ભવિષ્યની તો જરૂર પડશે જ અને એજ બસ તૈયાર કરીયે છીએ.

 

રાજકોટનું નામ ગુજરાત અને ભારતના નકશામાં અગ્રેસર રાખવાનું મેં અત્યાર થી જ શરુ કરી દીધું છે. હવે આગળ આગળ જુઓ શું કમાલ કરું છું.