#431 Dr Ritesh Bhatt

By Faces of Rajkot, March 1, 2021

પ્રસિદ્ધ ગુજરાતી કવિ નાન્હાલાલે દાહોદને પૂર્વના દરવાજા તરીકે ઓળખ આપેલી. દધીચિ ઋષિના નામ પરથી આનું નામ દધિપ્રસ્થ પડેલું, પાછળથી જે દધિપુરઃ,દેહપુર, દેબોધ, અને આજે માળવા અને ગુજરાતની બન્ને ની સરહદે આવેલા હોવાથી “દો-હદ” એટલે દાહોદ તરીકે આપણે એને જાણીયે છીએ.

 

તમને અચરજ થશે કે આજે રાજકોટમાં દાહોદની વાત કેમ?

થોડો સમય પહેલા ફેસીસ ઓફ રાજકોટમાં ડેન્માર્કના સેવાભાવી નવયુવાન ડૉક્ટર રિતેશની વાત કરેલી. જે ડેન્માર્કમાં રહીને ગુજરાતની પ્રાથમિક શાળાઓને વિદેશી પદ્ધતિથી આધુનિક બનાવવા માંગે છે. અદ્યતન પ્રાથમિક શાળાઓમાંથી કેટલકેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ આજે અલગ અલગ ક્ષેત્રે પ્રગતિના પગલાં પાડી રહ્યા છે. “અગનપંખ” નામની સંસ્થા ગુજરાતની આ સરકારી શાળાઓને દત્તક લઈને એની વિકાસ સાધે છે.

આ વાત અહીં વાંચીને દાહોદના એક સજ્જને ડોક્ટર રીતેશનો સંપર્ક કરેલો અને દાહોદના દેવગઢ બારીયા જિલ્લાના સાવ છેવાડાના નાનકડાં ગામ નાની ખજુરીમાં અંતરિક્ષ શાળા બની રહી છે. ઘણા સમયથી એનું કામ પણ શરુ થઇ ગયું છે. આ ગામની પૃષ્ઠભૂમિ પર નજર કરીયે તો મોટા ભાગની વસ્તી મજૂરી કામ કરવા શહેર જાય ઘરકામ કરવા અથવા તો નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખવા માટે મોટા બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને થોડા મોટાં થાય એટલે મજૂરીએ વળગી જાય. એવા વિસ્તારોમાં ઘેર-ઘેર જઈને વાલીઓને સમજાવીને બાળકોને નિશાળે લાવતાં પરંતુ આ નવા પ્રયાસથી બાળકો સામે ચાલીને નિશાળે આવે છે, વર્ગોમાં સંખ્યા વધતી જાય છે અને આજુબાજુના ગામના લોકો પણ પ્રોત્સાહિત થાય છે.

રાજકોટના ડોક્ટર રિતેશને અને માટે ધન્યવાદ તો આપવા ઘટે. ખુલ્લા દિલથી જે કોઈ પણ વિકાસ, પ્રગતિની વાત કરે એટલે ડોકટર રિતેશ તૈયાર જ રહે છે. એમની પાસે વર્ષોનું પ્લાનિંગ, પદ્ધતિ અને માહિતીનો ભંડાર છે. જિંદગીઓ તો સસ્તી બનતી જાય છે પણ મોંઘી તો જીવવાની રીત હોય છે. એજ શીખવાડવાનો પ્રયાસ અહીં થાય છે. જો આવા લોકો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આવી જાય તો રાજકોટ સાથે ગુજરાતનો નકશો ભારતભરમાં અલગ તારી આવે. રાજનીતિ, ચૂંટણી, બધું બાજુએ મૂકી દઈએ થોડીવાર અને એમ થાય કે મીઠા ઝરણાને ઝરણું જ રહેવા દઈએ સાગર બનીને ખારાં થવા કરતા મીઠા ઝરણાની મજા છે. સમજાય એમને વંદન. પરસેવાની કમાણી “પર-સેવા ” માં વાપરવા માટે જીગર જોઈએ. અગનપંખ સાથે જોડાયેલા તમામ લોકો અને ખાસ કરીને ડોક્ટર રિતેશને રાજકોટના કોટી કોટી વંદન.

વધુ માહિતી માટે આ વિડિયો ડોક્યુમેન્ટરી જુવો… https://youtu.be/RRzcsXDNTCU

આંખ મીંચીને પોકારું તો,

એ સ્વયં મને દર્શન આપે,,,
રોજ સવારે મંગળામાં ઘૂસીને,
ધક્કા-મુક્કી શા માટે?

– અજ્ઞાત