#432 Vanitaben Rathod and School No. 93

By Faces of Rajkot, April 4, 2021

તમારું બાળક કઈ શાળામાં જાય છે? 95% નો જવાબ કોઈ પ્રાઇવેટ સ્કૂલનું નામ જ હશે. આ પ્રખ્યાત પ્રાથમિક ખાનગી નિશાળોના બાળકોના વાલીઓને એકજ વિનંતી કે તમારે તમારા બાળકને 2 પ્રશ્નો પૂછવાના કે તારે મોટા થઇ ને શું બનવું છે? બધાને જવાબ તૈયાર જ હશે પરંતુ પછીનો પ્રશ્ન એ કેમ બનાય? અહીં 95% બાળકો તો ઠીક વાલીઓને પણ કદાચ જવાબ નહિ ખબર હોય. તો જવાબ મેળવવા આવો મારા બાળકો પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે શાળા નંબર ૯૩ માં.

મારુ નામ વનિતા રાઠોડ ૨૦૧૨ માં મેં આચાર્ય તરીકે આ શાળામાં કામ શરુ કર્યું, એ સમયે તારામાં મનમાં અત્યારે જે સરકારી શાળાનું ચિત્ર છે એવુજ અસ્સલ ચિત્ર મારી નજર સામે હતું, મારી શાળાની બાજુમાં જ બબ્બે ખાનગી શાળાઓ ધમધમે. પણ આપણે તો જન્મે રાજકોટ વાસી એટલે થોડા જિદ્દી તો ખરા જ ને?

કમર કસી લીધી કે આ શાળાને ઉપર લઇ આવવી. જયારે મેં શરુ કર્યું ત્યારે શાળા ડી ગ્રેડમાં આવતી જે આજે એ ગ્રેડમાં આવે છે. આજે એ બંને ખાનગી શાળાઓમાં તાળા લટકે છે, બાળકો ૪ – ૪ સરકારી શાળાઓ વટાવીને પણ આ શાળામાં પ્રવેશ લે છે, ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૨૦ શિક્ષકોનો સ્ટાફ આ શાળામાં અત્યારે કામ કરે છે. પણ આ બધું કેમ થયું? આ લખાયું અને તમે વાંચ્યું એમાં મારી વર્ષોની મહેનત અને દિવસ રાતનો સંઘર્ષ છુપાયેલો છે.

મારી શાળાના બાળકો સવારે ઉઠીને બ્રશ કરે એ બ્રશથી માંડી ને રાત્રે ચાદર ઓઢીને સુવે એ સહીત બધું જ મારી શાળામાંથી મળે. સ્કૂલ બેગ, બુટ મોજા, પુસ્તકો, રોજનીશી ડાયરી, ડીક્ષનરી તો જયારે બાળક દાખલ થાય ત્યારે જ એક કીટ બનાવી ને આપી દેવાના. બાળકોને એમના જન્મદિવસને દિવસે ચૉકલેટ લાવવાની મનાઈ એમને શાળાની લાઈબ્રેરીમાં પુસ્તક આપવું. તમે જૂનું પુસ્તક લઇ એવો, બે રૂપિયાનું પુસ્તક લાવો કે બસ્સોનું લાવો એ મહત્વનું નથી પણ લાવવું જરૂરી છે. એવી જ રીતે કોઈ શિક્ષકનો જન્મદિવસ હોય તો એમણે શાળાને 10 પુસ્તકો ભેંટ આપવાના.

એક વાર એક છઠ્ઠા ધોરણનાં વિદ્યાર્થીને શિક્ષક ખીજાતા હતા કારણકે એને વાંચતા નહોતું આવડતું, મારો શાળા રાઉન્ડનો સમય હતો ને મારુ ધ્યાન એ બાજુ ગયું, હું એ વિદ્યાર્થીને મારી ઓફિસમાં લાવીને કક્કો બારાખડી પૂછ્યા, એણે લખી બતાવ્યા પણ સામાન્ય શબ્દો વાંચવાનું કીધું કે જેમાં કાનો માત્રો પણ ન હોય એવા શબ્દો પણ એ વિદ્યાર્થી ન વાંચી શક્યો એને રડમસ અવાજે કહ્યું કે બહેન મને કશું દેખાતું જ નથી, અને એના એ શબ્દો મને તોપની જેમ વાગ્યા. મેં એ વિદ્યાર્થીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જઈને ચેકઅપ કરાવ્યું અને એને બંને આંખે જામરો નીકળ્યો, બંને આંખોનું તાત્કાલિક ઓપેરેશન કરાવ્યું. મેં શાળાએ જઈને જીણા અક્ષરો બોર્ડ પર લખ્યા 45 બાળકો એ કહ્યું કે અમને દેખાતું નથી, મેં બધા જ બાળકોનું ચેકઅપ કરાવ્યું 637 વિદ્યાર્થીઓમાંથી 200ને આંખના નંબર અને નબળી દષ્ટિ આવી, 3 ને મોતિયો નીકળ્યો. આ બધાનું દાતાઓની મદદ થી ચશ્મા અને ઓપેરશન કરાવ્યા. ત્યાર પછી દર વર્ષે 4 વખત મારી શાળામાં દરેક વિદ્યાર્થીઓનું દાંત, સ્કિન સહીત કમ્પ્લીટ હેલ્થ ચેકઅપ થાય છે.

30% થી વધુ બાળકોનું હિમોગ્લોબીન જે 13-15 વચ્ચે હોવું જોઈએ એ 7 કરતાં પણ ઓછું આવ્યું. ખાસ કરીને સ્કૂલની દીકરીઓને ચક્કર આવવા, માથું દુખવું જેવી ફરિયાદો વધુ આવી. આ બધાનું કારણ કુપોષણ હતું, એના માટે એમને દવાઓ અપાવી, વિટામિન, આયર્નની ગોળીઓ અપાવી. આ બધું તો ત્યારે અસર કરે જયારે સારો ખોરાક લે. એના માટે વાલીઓને મળવું જરૂરી હતું. વાલીઓ તો મિટિંગમાં આવે ને ન પણ આવે એટલે અમે નક્કી કર્યું કે અમારે વાલીઓ સુધી જવું. મિટિંગ રાત્રે રાખવી એટલે બધા પાસે સમય હોય. ઉપરાંત સ્ત્રીઓ અને પુરુષોની મિટિંગ અલગ ગોઠવી, સ્ત્રીઓ માટે જયારે મિટિંગ થતી ત્યારે એમને એમના બાળકોને હેલ્થી ફૂડ કેવી રીતે એવું, કેવી રીતે બનવું એ પણ ત્યાં જ બનાવી ને શીખવાડી. લીલા શાકભાજીનો ઉપયોગ કરીને નવી નવી વાનગીઓ શીખવી જે બાળકો મજા માણી ને ખાય.

એક ખાસ પ્રયાસ પર્યાવરણને બચાવવાનો પણ કર્યો, દરેક બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું. આપણા ઘરમાં 5 વ્યક્તિઓ હશે પણ 5 વૃક્ષો નહિ હોય. અહીં એવા પણ લોકો હશે જેને જિંદગીમાં ક્યારેય કોઈ વૃક્ષ નહિ વાવ્યું હોય. મારા સ્કૂલના વિદ્યાર્થીઓ કોઈ પણ ફળ શાકભાજી ખાય એના બી દર વર્ષે ભેગા કરે. એ બી ના સીડ બોલ બનાવે જેમાં છાણીયું ખાતર અને માટીના નાના બોલ બનાવીને એમાં વચ્ચે બી નાખી દેવાનું. 5 જૂન, જે પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે એ દિવસે મારી શાળાની બહાર એનું વિતરણ થાય છે. તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હો તો એ સીડ બોલ નાખી દેવાના એમાંથી વૃક્ષ ચોમાસા દરમિયાન ઉગી નીકળે. મારી શાળાના બાળકો કોઈ પણ કચરો ફેંકતા નથી, બધી જ વસ્તુનો ફરીથી ઉપયોગ થાય છે. ઘરમાં શાક બને એની છાલ પણ લાવીને કમ્પોસ્ટ ખાતર બનાવીએ, જે વૃક્ષો માટે 24 કૅરેટ સોના સમાન હોય છે. ઘરની કોઈ પણ તૂટેલી, ફૂટેલી વસ્તુઓમાં બીજ વાવીએ. તૂટેલી ગરણી, માટલા, ડબ્બાઓ, બોટલ, પાઇપ, ગરબા… બધામાં વૃક્ષારોપણ થાય. મારી શાળામાં આજે બે હજાર થી વધુ વૃક્ષો ઉભા છે. તમે ભર ઉનાળે એક વાર મારી શાળામાં પગ મૂકો એટલે શિમલા જેવી અનુભૂતિ થાય. એમાં પણ પક્ષીઓ માટે માળાઓ મુકેલા છે એ પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા, પક્ષીઓ માટે હિંચકા, પાણી પીવાનું, દાણા માટેનો ચબુતરો બધું જ હાજર. આ બધામાં બાળકોને સામેલ કરવાના એમને કક્કો બારાખડી તો કોઈ પણ શાળા શીખવી દેશે પણ જીવન મૂલ્યો કોણ સમજાવશે? આ બધું જ મારી શાળામાં થાય છે. અહીં ઔષધ જેમાં કરંજ,અરડૂસી, પારિજાત, વિકળો, પથ્થરતોડ , અરીઠા, અજમા, કુવારપાઠું, હડકા બંધ સાથે સાથે અન્ય ઘણી ઓષધીઓ ઉગાડવામાં આવે છે. શાળામાં અરીઠાના 4 વૃક્ષો છે શાળાના બાળકો મધ્યાન ભોજન જમતા પહેલા અરીઠાના પાણીથી હાથ ધોવે છે. શાળામાં વિવિધ પ્રકારના ફળો જેમાં સીતાફળ, જામફળ, અંજીર આ ઉપરાંત આંબો, ગુંદો, રુદ્રાક્ષ, કદમ, રમણ વડ, ગુલમોહર, લીમડો, બોરસલી જેવા વિવિધ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. શાકભાજીમાં સરગવો, લીંબુ, મરચાં તથા અન્ય ઘણા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.

રાજકોટની સર્વ પ્રથમ પ્રાથમિક શાળા કે જેમાં દીકરીઓ માટે સેનેટરી પેડ નું વેન્ડીગ મશીન ઉભું છે અને એની જ બાજુમાં વપરાયેલા પેડ્સને રિસાયક્લ કરવાનું મશીન પણ છે. આ એક ખરેખર ગર્વની વાત છે. લોકડાઉન દરમિયાન આપણે બધાએ જોયું રોજ સમાચારોમાં આવતું કે શાળાઓ ફી માંગે છે જયારે વિદ્યાર્થીઓ તો જતા પણ નથી. એ વખતે પણ અમે ઓનલાઇન રમતો, સ્પર્ધાઓ, ફેન્સી ડ્રેસ, કવીઝ, સંગીત અને કવિતા સહીત અનેક પ્રવૃતિઓ કરીને બાળકોને શાળા સાથે જોડી રાખ્યા. ઘરે ઘરે જઈને મેં જાતે પુસ્તકો આપ્યાં છે. કે જેથી લોકડાઉનમાં પણ બાળકોનો માનસિક વિકાસ થતો રહે.

મને 4 નેશનલ 4 એવોર્ડ, 11 સ્ટેટ, 3 ઇનોવેટિવ ટીચરના એવોર્ડ , રાજ્યપાલ એવોર્ડ , જિલ્લા ના શ્રેષ્ટ આચાર્ય, નેશનલ ઇનોવેટિવ ટીચર સહીત 108 થી વધારે સ્થાનિક એવોર્ડ મળ્યા છે. મારી 8 વર્ષની કારકિર્દીમાં 7 વાર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી મળ્યો છે.

ભેખ ધરી લીધો છે કે બાળકોનો સર્વાંગી વિકાસ થવો જ જોઈએ અને એ સારા નાગરિક તરીકે આવતી કાલનું રાજકોટ અને દેશનું ભવિષ્ય મજબૂત બની ને ઉભા રહી શકે.

પરિશ્રમ જે કરીને ભાગ્યની પૂજા કરી લે છે,

ખરેખર ધૂળમાંથી એ રતન પેદા કરી લે છે.

તમે આપો છો એ જન્મો કદી એળે નથી જાતા,

જિગર પ્રત્યેક જન્મો સાચવી શોભા કરી લે છે.

– કુતુબ આઝાદ