#433 Dr Neema Sitapara talks about corona in children
By Faces of Rajkot, April 19, 2021
ઘર ઘર રમીએ ‘’કોરોનાસુર’’ ને હણીએ
એક સમય હતો જ્યારે પૃથ્વી પર લોકો હસી ખુશી થી ફરતા હતા, છોકરાઓ આનંદથી સ્કૂલમાં ભણતા હતા બહાર રમતા હતા. પૃથ્વી પર જાણે સ્વર્ગ હતું. એવામાં કોરોના નામક એક અસુરે સૂક્ષ્મ સ્વરૂપ ધરીને પૃથ્વી પર હાહાકાર મચાવવા નું ષડયંત્ર રચ્યું. શિંગડા કે પૂંછ વગરનો આ રાક્ષસ અનેક અદ્રશ્ય રૂપ ધરીને જોતજોતામાં પૃથ્વી ના બધા દેશ માં ફેલાઈ ગયો. એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ ના શરીર માં મો, નાક, હાથ દ્વારા ઘૂસી તેને ખોખલું બનાવી, બીમાર પાડી, મારી નાખવા લાગ્યો. ચોતરફ ભય, અફડા- તફડી મચી ગઈ. આપત્તિ ના સમય માં ઉંદર જેમ દર માં ઘૂસી જાય તેમ બધા લોકો કામકાજ બંધ કરીને ઘર માં ઘૂસી ગયા. પણ તેનાથી કોરોનાસુર હણાયો નહીં, તે તો છુપાઈ ને બેસી રહ્યો. લોકો જેવા ઘર ની બહાર નીકળવા લાગ્યા કે તે વધુ બેફામ અને ઘાતક થતો ગયો. સમગ્ર પૃથ્વી પર કોરોનાસુર નું જ રાજ ચાલવા લાગ્યું …ઓફિસ, સ્કૂલ બગીચા , હરવા ફરવાનું બંધ ….. બાળકો તો કંટાળી ગયા ….ભયભીત પણ થઈ ગયા.
પણ મનુષ્ય જાત તો હોશિયાર અને દરેક પરિસ્થિતિમાં રસ્તો કાઢે તેવી. આવા તો અનેક અસુરો નો પહેલા પણ સામનો કરીને જીત મેળવેલી. બુદ્ધિશાળી લોકો કોરોનાસુર સામે લડવા ના ઉપાય શોધવા લાગ્યા. તેમણે નાક અને મો ને ઢાંકી રાખે તેવું બખ્તર સમાન માસ્ક વાપરવાનું અને એક બીજા થી બે ગજ દૂર રહેવાનુ શરૂ કર્યું, જેથી કોરોનાસુર એક વ્યક્તિ માં થી બીજી વ્યક્તિ માં પ્રવેશી ને જીવી ના શકે. સાબુ અને સેનિટાયઝર જેવા ઝહેર વાપર્યા જે હાથ માં ચોંટેલા કોરોના ને મારી નાખે. અને પછી તો ખૂબ હોશિયાર એવા વૈગ્નાનિકોએ મિસાઇલ જેવા ઈંજેકશન (વેકસિન) પણ બનાવ્યા જે લેવાથી કોરોનાસુર શરીર માં પ્રવેશતા જ અધમૂઓ થઈ જાય. જેમ રામાયણ અને મહાભારત ના સમયમાં તીર કમાન, ગદા, ભાલા વડે ભયંકર યુદ્ધ થયા, તેમ સમજદાર અને ચતુર લોકો આ બધા શસ્ત્રો નો ઉપયોગ કરી એક નવતર યુદ્ધ માં કોરોનાસુર સામે જીતવા લાગ્યા. જે નાસમજ, બેદરકાર લોકો આવા હથિયાર વગર ફરતા, કોરોનાસુર તુરંત જ તેમના પર હુમલો કરી તેમનો નાશ કરતો.
આ લડાઈ માં સહુ થી સમજદાર તો બાળકો નીકળ્યા … કંટાળો આવે તોપણ તેઓ તો ઘરમાં જ રહીને મમ્મી-પપ્પા સાથે “ઘર-ઘર” રમવા લાગ્યા … ઘરમાં જ સ્કૂલ, પોતે ટીચર પણ બને, પોતે દોસ્ત પણ બને, હોટેલ પણ ઘરમાં, કસરત અને ફરવાનું પણ ઘરમાં. લુડો, ચેસ, ગંજીપત્તા, કેરમ, ચિત્ર, રંગ, વાર્તા, અનેક રમતો માં સમય પસાર કરે. મમ્મી પપ્પા ને પણ રમાડે ને તેમનું બાળપણ યાદ કરાવે. લાંબા વેકેશન નો બધો આનંદ ઘરમાં જ. ઘર-ઘર રમતા અનેક કામ પણ શીખે, ઘરમાં મદદ પણ કરે. છત પર ચડી આજુબાજુ ના ભાઈબંધ સાથે દૂર થી ટોળટપ્પાં પણ કરે. બીજા લોકો ને કોરોનાસુર સામે લડવાની રીત પણ શીખવે. આમ બાળકો એ કોરોનાસુર સામે ખૂબ ચાલાકી અને સમજદારી થી લડત આપી. ઘર ની સાંકળ મજબુત કરીને કોરોના ની સાંકળ તોડી. કોરોનાસુર ને હણવા મન અને શરીર ને મજબૂત કરવા લાગ્યા કારણ કે તેમને સંપૂર્ણ ભરોસો છે કે ફરીથી પૃથ્વી પર બાળકો રાજ કરશે, બધા બિન્ધાસ્ત ફરશે, રમશે, ભણશે. ઘર -ઘર ની રમત કોરોના ના ડર થી નહીં પણ કળ થી તેનો નાશ કરવા માટે રમવાની છે. હજુ પણ તેઓ કોરોનાસુર સંપૂર્ણ મરણ ના પામે ત્યાં સુધી એક જ નારા સાથે મક્કમ છે :
ઘર ઘર રમીએ ‘’કોરોનાસુર’’ ને હણીએ..
ડૉ નીમા સીતાપરા
બાળરોગ અને તરુણાવસ્થા નિષ્ણાંત
રાજકોટ
Related
Recent Comments