#435 Dr Mehul Lalseta speaks on Corona and teeth

By Faces of Rajkot, May 3, 2021

આપણા શરીરમાં આપણે સૌથી વધારે કોઈ અંગની ઉપેક્ષા કરતા હોઈએ તો એ છે દાંત. વાળ, નખ, સ્કીન બધું ફરીથી ઉગી શકે છે પરંતુ પુખ્ત વય પછી દાંત નથી ઉગતા. મોટા ભાગે લોકો ઘરગથ્થું ઉપચાર કરતા હોય છે અને દાંત પાડવાના સમયે જયારે બહુ જ મોડું થઇ ગયું હોય ત્યારે ડોક્ટર પાસે જતા હોય છે.

 

લોકડાઉનમાં ઘરે બેસવાની સાથે અનેક શારીરિક સમસ્યાઓ ઉભી થઇ છે એમાની એક છે દાંતની તકલીફ .લોકડાઉન ના કારણે લોકો ઘરે વધારે રહેવા લાગ્યા અને નવરાશમાં ઘરે કંઈ ને કંઈ જમવા સિવાયના સમયે ગળ્યો ખોરાક, નાસ્તો, ચોકલેટ, કેક વગેરે ખવાતા હોય તેથી દાંતની સડવાની તકલીફ વધે છે અને લોકો બહાર નીકળતા ડરે અને દાંતની તકલીફો ને બેધ્યાન કરી જાતે જ ઉપાય કરે છે.

 

આપણે દાંત વિશે, એની સામાન્ય કાળજી વિશે સાવચેત હોઈએ છીએ પરંતુ કોરોના કાળ દરમ્યાન આપણે થોડું વધારે એના વિશે જાણીએ.

સર્વપ્રથમ દાંતની કોઈ સમસ્યા વિશે વહેલી તકે દાંતના ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. દાંતનું દવાખાનું એવી જગ્યા છે જ્યાં આપણે આપણુ માસ્ક કાઢવુ ફરજિયાત હોય છે એટલે ઘણી વખત આપણે તકલીફને બેધ્યાન કરી ઘરગથ્થુ ઉપાય કરતા હોઈએ છીએ જે હિતાવહ નથી. દાંતની સારવાર કરવાથી રોગ ફેલાતો નથી. મોટાભાગના દાંતના ડોક્ટર બધી જ તકેદારી રાખતા હોય છે એટલે જે કોઈ કારણસર, કોઈ પણ જાતની તકલીફ હોય તો સમયસર સારવાર કરાવવી જરૂરી છે .

 

કોરોના ના સમયમાં ગરમ પાણી અને જરૂરથી વધારે ઉકાળા ના ઉપયોગથી ક્યારેક મોઢામાં અને ગળામાં ચાંદા પડતા જોવા મળે છે. કોરોના ના નવા સ્ટ્રેઇન માં દાંત અને મોઢામાં પણ નવા લક્ષણો જોવા મળે છે જેમકે મોઢું વધારે પડતો સુકાવુ (dry mouth). પ્રવાહીનું પ્રમાણ વધારીને આપણે એને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. ક્યારેક વધારે પડતું મોઢું કોરૂ રહેવાથી ખોરાક લેવામાં બળતરા અને મોં માંથી દુર્ગંધ જેવી તકલીફ પણ જોવા મળે છે. આપણે એ વાતથી તો જાણકાર છીએ કે એક ક્ષુલ્લક વાયરસ ના હિસાબે ઘણી વખત કાન, નાક અને ગળાના વિકાર વિના લોકોમાં ગંધની ખોટ સાથે સ્વાદ ની ખોટ પણ સંકળાયેલ છે એવી જ રીતે નવા લક્ષણોમાં જીભમાં ( covid tongue) અને પેઢાના પાછલા ભાગમાં અમુક દર્દીઓને સોજા જોવા મળે છે.

 

દાંતની વધારે પડતી તકલીફથી બચવા માટે આપણે દર ૬ મહિને ડેન્ટીસ્ટ ની મુલાકાત લેવી જોઈએ પણ કોરોના કાળમાં જ્યારે આપણે બહાર જવાનું ટાળવું પણ હિતાવહ છે એટલે આપણે આપણા દાંતની કાળજી પણ વધારે ધ્યાન દેવું જોઇએ ,જેમ કે કોઇ પણ ખોરાક લીધા પછી મુલાયમ (સોફ્ટ) બ્રશ અને fluoride toothpaste થી હળવા હાથે બ્રશ કરવું. ગરમ પાણી કે માઉથવોશ જેમકે povidone-iodine અથવા chlorhexidine નો ઉપયોગ કરી કોગળા કરવા. ખોરાકમાં ગળ્યા, ચીકણા પદાર્થનો ઉપયોગ ટાળવો. લીલા શાકભાજી અને ફળોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. તેમ છતાં દાંત ની તકલીફ જણાય તો દાંતના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ તકલીફ નું વહેલી તકે નિરાકરણ કરવું જોઈએ .

 

ડેન્ટીસ્ટ પાસે આપણે સંપૂર્ણ શારીરિક તકલીફની સાચી જાણકારી આપવી જોઈએ અને ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સારવાર કરાવવી જોઈએ અને અતિ મહત્વનું જે આપણે વારંવાર સાંભળીએ છીએ – માસ્ક ફરજીયાત પહેરવું, સામાજિક અંતર રાખો, કારણ વગર બહાર ના નીકળવું અને વારો આવે ત્યારે વેક્સીન ચોક્કસ લેવી.

 

ડો. મેહુલ લાલસેતા
( બી. ડી. એસ.)
શ્રદ્ધા હોસ્પિટલ ,
ગીરીરાજ હોસ્પિટલ ની બાજુમાં, 150 ફીટ રિંગ રોડ ,
રાજકોટ.