#437 Faruk Shekh
By Faces of Rajkot, June 15, 2021
એક વર્ષતો કંઈ પણ કામધંધો કર્યા વિના નીકળી ગયું પણ હવે બધી જ બચત વપરાઈ ગઈ. લોકડાઉનની તલવાર સતત માથે તોળાતી રહેતી. જયારે લોકો ઓનલાઇન લોકડાઉનની માંગ કરતાં જોતો ત્યારે એમ થતું કે એક વાર એનો હાથ પકડીને લઇ એવું અને આજુ બાજુના દરેક ઘરની સ્થિતિ બતાવું. જો એક દિવસ પણ ઘેર બેસે તો છોકરાને શું ખવડાવવું એ દેશ ચલાવા કરતાં પણ મોટો પ્રશ્ન લાગે.
ફારુખ શેખ, કામ શોધવા નીકળી પડ્યા, કામ કોઈ પણ હોય નાનું તો નથી જ હોતું, જે તમારા સંતાનો અને પરિવારનું પેટ ભરે એનાથી મોટું તો બીજું શું હોય શકે? એજ હિમ્મત સાથે કામ માંગ્યું પરંતુ હાથમાં માત્ર એક જ આંગળી હોવાથી કોઈ કામ આપવા તૈયાર નોહ્તું થતું. ઘણી વાર તો હા પડી ને પણ ના પાડી દ્યે જયારે હાથ સામે જુએ ત્યારે. આપણે કોઈ પણ જાત ની તૈયારી બતાવીયે પણ બધું જ પથ્થર ઉપર પાણી સમાન.
હા પણ એમ હિંમત કેમ હારવી? રીક્ષા ભાડે લીધી અને એ ચાલવું સવારે 7 થી સાંજે 7 સુધી. એક જમાનો હતો જયારે કોવીડ પહેલા લોકોની તાળીઓના ગડગડાટ, સ્ટેજ, સુર, સંગીત, ઝાકમઝોળ લાઇટ પરંતુ હવે તો બધું જ બંધ થઇ ગયું. કિર્તીદાન ગઢવી જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે સ્ટેજ શેર કર્યા છે. મૅરેજ ફન્કશન, પાર્ટી, નવરાત્રીમાં મારી ગાયકીની ધૂમ મચતી, ઘણીવાર તો ના પાડવી પડતી કે બુકિંગ અગાઉ થઇ ચૂક્યું છે. સોનુ નિગમને જોઈ ને દરરોજ રિયાઝ કરતો પરંતુ હવે તો રિક્ષામાં બેસીને ક્યારેક કોઈ ધૂન ગુનગુનાવી લેવાની. કોઈ મહિલા પેસન્જર જો હોય પાછલી સીટમાં તો ગીતો ગાવા અસભ્ય ગણાય એટલે મનમાં જ રિયાઝ થઇ જાય. બાકી હતાશા ને આપણે તો સો ગાઉનું છેટું. મોજમાં રેવું. જો રીક્ષા ના મળી હોત અને કચરા પોતા કરવા પડ્યા હોત તો પણ કોઈ નાનમ નથી, કામ તો કામ છે. તમે બેંકમાં મેનજર હોવ કે પ્યુન જે કામ કરે એને સલામ.
આ છે રાજકોટની રઢિયાળી રૈયત, કોઈ પણ સંજોગોમાં હતાશ કે નિરાશ થઇ ને હાથ બેલાવા કરતાં શારીરિક ક્ષતિઓને અવગણી ને પણ રાજકોટના ધોરી માર્ગો ઉપર આપણી રીક્ષા ચાલતી હોય ત્યારે એમ લાગે કે આ શહેરે ખોબલે ખોબલે આપ્યું છે. અને જયારે ભાડું લઈને ઘેર જઈએ અને ગરમ ગરમ શાક રોટલી ભાણા માં પીરસાય ત્યારે ઉપરવાળા માટે બંને હાથ અચૂક લંબાઈ જાય.
તેં ફાનસનો કાચ કર્યો છે ઊંચો, ત્યાં
મેં ઊડતું ભાળ્યું રીતસરનું અંધારું
પાછો ના કાઢીશ, કોઈ માગણ આવે તો
લઈ જાશે એ તારા ઘરનું અંધારું
– સ્નેહી પરમાર
Related
Recent Comments