#438 Amba

By Faces of Rajkot, June 27, 2021

ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીક,
ઠેકી તેં દોધેલી ઊંડેરી બીક

પેલી તરછોડાયેલી અંબા યાદ છે?

 

ધાર્યું ધણી નું જ થાય, એમાં કોઈ કંઈ પણ ન કરી શકે. કોને ખબર હતી કે ઠેબચડી ગામની સીમમાંથી લોહીલુહાણ હાલતમાં ઉકરડામાંથી પડેલી, શાયદ કીડી-મંકોડા કે કુતરાનો ભોગ બની જાત એ આજે ઇટલી જેવા સમૃદ્ધ દેશમાં જઈને રહેશે. જેને કોઈએ પાપ સમજીને ત્યજી દીધેલી એ અંબે કોઈ પોતાની પાંખોમાં લઈને પરદેશ ઉડી જશે. કોઈ નું ભાગ્ય તો ક્યાં કોઈ જોઈ શક્યું છે? જો એના માં બાપે એને કદાચ રાખી પણ લીધી હોત તો શું? હંમેશા તિરસ્કાર જ પામત, શિક્ષણ, પોષણ, અને સૌથી પર એવો માતા પિતાનો પ્રેમ તો ક્યાંથી લાવત? પણ નસીબ માં લખ્યું છે એ તો મળવું જ રહ્યું એટલે અંબાના ઓરતાના ધણ હવે મીઠાં વીરડા તરફ વળ્યાં છે.

 

છોડ્યા મેં સરનામા, છોડ્યું મેં નામ,
છોડ્યું સીમાડાનું છેવટ નું ગામ…

 

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમે અપનાવેલ આ ધૂળના ફૂલ ને ત્યાંના લોકો હથેળી પર રાખતા અને અપાર લાડ લડાવતા, જયારે અંબા મળી આવી ત્યારે સમાચારોમાં એના વિષે જાણીને અનેક લોકોએ દુઆ પ્રાર્થના કરેલી કે એને એના માંબાપ મળી જાય, પરંતુ અંબા ના નસીબમાં તો ઉડવાનું લખ્યું હતું. ઘણાં લોકોએ એને દત્તક લેવાની તૈયારીઓ બતાવેલી, હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સીસથી માંડીને રાજકોટના પોલીસ બેડાના અધિકારીઓએ અંબા માટે ગિફ્ટ્સ અને રામકડાઓની કતાર લગાવી દીધેલી. કાઠિયાવાડ બાલાશ્રમમાંથી દર વર્ષે અનેક બાળકો દત્તક લેવાય છે. જે આજે સારા ઘરમાં જઈને સારું જીવન જીવી રહ્યા છે.

 

થોડા દિવસ અગાઉ એક દીકરી જર્મનીથી આવેલી જેને ગુજરાતી તો શું અંગ્રેજી પણ ભાંગ્યુંતૂટ્યું આવડતું હતું. પણ એને જોવું હતું કે એની સંભાળ કેવી રીતે લેવાઈ હતી, એ કેવી રીતે અને ક્યાં પહોંચી હતી. જાણે ગંગા કલકતાથી ફરી ગૌમુખી સુધી આવી અને પોતાનું ઉદભવસ્થાન જોઈ ને હસ્તી કૂદતી ફરીથી પોતાના જીવનમાં ગૂંથાઈ ગઈ. જ્યારે આવી દીકરી-દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય આપણી સગી આંખે જોઈએ ત્યારે એક વાર તો ઉપર જોવાઈ જાય. આંખો મીંચીને એક વાર તો ભગવાનનું નામ લેવાઈ જ જાય કે ધાર્યું તો ધણી નું જ થાય.

 

અહીં એવું બિલકુલ નથી કે વિદેશમાં જ સારું ભવિષ્ય હોય શકે અને અહીં નહિ, રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમની એકવાર મુલાકાત લઇ ને એની હિસ્ટ્રી તો જાણવી જ રહી. તમે નામ લો એ ફિલ્ડમાં અહીંના બાળકોએ પોતાનું નામ કાઢ્યું છે. આપણે ફિલ્મોમાં જોઈએ એવું તો બિલકુલ નથી અહીંના ટ્રસ્ટીઓ આ બાળકોને ફૂલની જેમ સાચવે છે, દત્તક આપતા પેહલા બધી જ માહિતી પ્રાપ્ત કરે છે અને ચોક્કસ કરે છે કે દીકરો કે દીકરી હોય એને ઉજ્જવળ ભવિષ્ય મળી રહે.

 

ઢોળિયાં મેં ઢોળિયાં, તેં દીધેલા ઘુંટ,
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ

 

અંબા થોડા જ સમયમાં બધું જ ભૂલી જશે, એ દુઃખ એ પારાવાર પીડા વેઠીને હવે એ મખમલી સેજ ઉપર રમશે. પીડા તો સ્ત્રીઓને ગળથુથીમાં જ મળે છે પણ અંબાના કેસ માં તો અંબા પેટમાં જ એની પીડા લખાવીને આવી હતી. અંધારા પછી અજવાળું એ કુદરતનો ક્રમ છે એમ જ આવે એના ભવિષ્યમાં સૂરજના ઓજસ પથરાઈ રહેશે. જેણે જેણે પણ અંબા માટે પ્રાર્થના કે દુઆઓ કરેલી એ બધાની પ્રાર્થના અને દુઆઓ ઉપરવાળાએ સાંભળી, સમજી અને એનું અચૂક નિરાકરણ પણ કરી દીધું.

 

અંબાએ જેટલા દુઃખ વેઠ્યા હતા એના કરતા બમણો પ્રેમ એને રાજકોટ તરફથી મળ્યો છે. કેટકેટલા લોકો રૂબરૂ,ફોન કે અન્ય માધ્યમથી અંબાની ખબર પૂછતાં રહેતા. અંબેની માતા એક હોસ્પિટલમાં નર્સ છે અને પિતા એક પ્રતિષ્ઠિત એન્જીનીઅર છે. આ પહેલા પણ તેઓએ એક બાળક રાજકોટ બાલાશ્રમમાંથી જ દત્તક લીધેલું છે અને અંબે એની બીજી દીકરી બની રહેશે.

 

ખીલે થી છૂટ્યાં છે ઓરતા ના ધણ
વીરડાને ભાળે હવે મીઠાના રણ…હેલ્લારો

 

જો કદાચ તમે અંબા વિશે ભૂલી ગયા હો તો આ લીંક પર વાંચો… https://m.facebook.com/story.php?story_fbid=1538752502953866&id=472224329606694