#440 Sachin Nimavat

By Faces of Rajkot, September 7, 2021

“સર, અહીં બેસો.” સાત ધોરણ પાસ, પાનની દુકાન પર કામ કરતા છોકરાને લોકો “સર” કહીને બોલાવે તો મને તો માનવામાં જ ન આવ્યું. કારણ? મને હેન્ડ સ્ટેન્ડ કરવું બહુ પસંદ. હું કલાકો સુધી પ્રેક્ટિસ કરું એક હાથ પર ચાલવું, ઉભા રહેવું, સેન્ડ બેગ સાથે પંચિંગ પ્રેક્ટિસ કરવી. મારો એક નાનો એવો વિડિઓ જોઈને મને બોલાવવામાં આવ્યો અને બાળકોને ટ્રેનિંગ આપવા માટે કહેવામાં આવ્યું.

 

મારું નામ સચિન નિમાવત, 900 રૂપિયા ફી ભરવાની હતી પણ જો એ આપું તો ખાઉં શું? ઘરમાં ચલાવવામાં મોટો ખાડો પડે એટલે માંડી વાળ્યું. હાથ પર ચાલવાનું મેં એક વિડિઓ ઓનલાઇન જોઈને શરુ કર્યું, મને તરત જ ફાવટ આવી ગઈ. શરૂઆતમાં બે હાથ પર અને પછી એક હાથ પર શરુ કર્યું. એના માટે કાંડા મજબૂત હોવા જરૂરી છે નહીંતર વજનને કારણે કાયમી ખોટ થઇ શકે. એના માટે ધૂળ ભરેલી ગુણીમાં પંચ મારી ને પ્રૅક્ટિસ કરી, જો લોહી નીકળે તો પાણીની ડોલમાં હાથ બોળી દેતો. એક વ્હોટ્સેપ ગ્રુપમાં મારો એક નાનકડો વિડિઓ પોસ્ટ કર્યો અને જીમનસ્ટિક ના મેડમ નો કોલ આવ્યો કે તમે બાળકોને ટ્રેનિંગ આપી શકો? મને ન તો અંગ્રેજી આવડતું, ન તો ટ્રેઇનિંગ આપવાની ખબર કે ન તો જિમ્નાસ્ટિક શું છે એની કોઈ ખબર હતી. પણ, જયારે એમણે મને સર કહીને બોલાવ્યો મને એમ લાગ્યું કે જે હું કરું છું એમાં કંઈક તો વાત છે અને સારી લાઈન હોવી જોઈએ કારણ કે એના થી મને પહેલી વાર માન મળ્યું.

 

અત્યારે હું હેન્સ્ટેન્ડ 85 જગ્યાએ કરી ચુક્યો છું, દીવાલ પર, રેલિંગ પર, ચકરડી, બ્રિજ પર દોડીને કે ચાલીને અનેક રીતે કરી શકું છું. એક વખત હાથ તૂટ્યો, પ્લેટ આવી, પાણીનો ગ્લાસ પણ ન ઊંચકી શકું એવી સ્થિતિ થઇ ગઈ. જોબ બંધ થઇ ગઈ અને પગાર પણ બંધ, જવાબદારી તો એટલી જ હતી. હાથ પર ઉભવાની વાત તો દૂર પણ હાથ હવામાં ઊંચો કરવા લાયક પણ નહોતો. ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓ બાંધીને પ્રેક્ટિસ કરી. લોકોએ તો મનાઈ કરી દીધેલી કે હવે મારે જિમ્નાસ્ટિકને ભૂલી જ જવું જોઈએ. પાણીની બોટલ બાંધી, ટાયર બાંધ્યા એક ટાયરથી શરૂઆત કરી અને પછી વધારતો ગયો.

 

ફરી પાછો જિમ્નાસ્ટિકમાં આવી ગયો અને “ઇન્ડિયા ગોટ ટેલેન્ટ” સુધી પહોંચી ગયો. એક મિનિટ સુધીનો ગોલ રાખ્યો હોય અને 59 સેકન્ડસ થાઈ તો ફરીથી શરુ કરતો. ક્યારેય પાછું વાળી ને નથી જોયું, સતત કઠણ પરિશ્રમ કરું છું અને મને એક વાર માન મળ્યું છે એટલે હવે ફરીથી પાનના ગલ્લે નથી જવું.

 

 

મિત્રો બહુ જ ઓછા છે, સહકારના નામે શરૂઆતમાં તો “સર્કસના ખેલ” જેવા શબ્દો મળ્યા. મારી મુશ્કેલીઓ વચ્ચે મારો હાથ ડી. કે. જિમ્નાસ્ટિક્સ ના ધીરુભાઈ કોટીલા અને દિગ્વિજયસિંહે પકડયો અને મને આજે પણ ટ્રેનીંગ આપે છે. પછી ઝીરો અપર્ચર પ્રોડક્શન નાં પ્રકાશભાઈએ સાથ આપ્યો. પુશ અપ્સ, શોલ્ડર, આર્મ્સ,સ્ટેપ્સ, ટ્રેડમિલ જેવી અનેક કસરતો કરીને આગળ વધવાનો મોકો આપ્યો. અહીં તો એટલો સ્કોપ નથી પણ વિદેશોમાં હેન્ડસ્ટેન્ડ, હેન્ડવોકની કાયદેસર સ્પર્ધાઓ યોજાય છે એમાં ભાગ લેવો છે. “ઇન્ડિયા ગોટ ટેલેન્ટ”માં આગળ વધવું છે. રાજકોટને કહીશ કે લોકો ગમે તે કહે પણ તમારા બાળકોને એમના શારીરિક ધોરણને ધ્યાનમાં લઇને એક રમતમાં ચોક્કસ ભાગ લેવડાવો. ફિઝિકલ એક્ટિવિટીથી એમનામાં શારીરિક જ નહિ પણ માનસિક પણ જરૂરથી ફાયદો થશે, એમનો આત્મવિશ્વાસ, ખેલદિલી અને સ્પોર્ટ્સમેનશીપ આવશે. જે જીવનમાં આગળ વધવા માટે જરૂરી છે. બધાએ અવ્વલ આવવું જરૂરી નથી, પણ ભાગ લેવો જરૂરી છે.

 

કોઈ સાચી ને શ્રદ્ધાની કંઠી પહેરે

કોઈ ખોટી ને દેખાડાની કંઠી પહેરે

કોઈ પહેરે કિસ્મતનું માદળિયું-તાવીજ

કોઈ ખાલી પરસેવાની કંઠી પહેરે

કંઠી ઉર્ફે કુંડાળું ને વાડાબંધી

માણસ એમાં બંધાવાની કંઠી પહેરે

– ભરત ભટ્ટ ‘પવન’