#441 Shilpaben Dabhi

By Faces of Rajkot, September 21, 2021

થોડા સમય પહેલાં આપણે સૌને ઓક્સીજનનું મહત્વ કુદરતે સારી રીતે શીખવી દીધું. થોડા લોકોએ થોડા દિવસ માટે પ્રયત્નો પણ કર્યા હશે પણ આટલું પૂરતું છે? આજકાલ સમાચારોમાં હિમાચલપ્રદેશમાં પહાડોની જમીન ધસી પાડવાની ઘટનાઓ વધતી જાય છે આનું એક કારણ વૃક્ષોનું નિકંદન પણ છે. વૃક્ષો જે જમીનને જકડી રાખતા હતાં એને જ કાપી નાખ્યા તો પહાડો તો ખસવાના જ. તાજી હવા લેવાના બહાને પાંચ વૃક્ષોનું ટોળું જોઈ જઈએ તો ફેમિલિ સાથે પાથરણું અને નાસ્તા લઈને બેસી જઈએ છીએ પણ એવો વિચાર કેમ નથી આવતો કે આપણે પણ કંઈક કરી છૂટીએ? બાકી તો લાખો લોકો આ દુનિયામાં આવે છે અને જતા રહે છે જેની કોઈ જ નોંધ નથી લેવાતી અને પરિવાર પણ બાર-તેર દિવસ પછી ભૂલી જાય છે. તો કેમ આ ધરતીનું ઋણ ચૂકવીને જઈએ. પણ મને મારા અસ્તિત્વનો વજન ક્યારેય નથી લાગવા દીધો.

 

શિલ્પાબેન ડાભી, “છોડમાં રણછોડ” એવું મારા પિતાજીએ મને શીખવેલું, એ જયારે ઝાડ વાવતાં ત્યારે હું એમને ક્યારા બનાવવામાં, પાણી પાવામાં બનતી મદદ કરતી, નાનપણથી જ વૃક્ષપ્રેમ મારા જીવનનો અમૂલ્ય ભાગ બની ગયો. શ્રી સરસ્વતી શાળા નંબર 97માં શિક્ષકની નોકરી કરું છું. મારા પિતાજીના જીવન મૂલ્યો ને સાથે રાખીને વૃક્ષોને સંત સમાન માનીને ખુદ તો જતન કરું જ છું પરંતુ મારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના અન્ય સ્ટાફને પણ એના માટે પ્રેરુ છું. ચોમાસા દરમિયાન, પર્યાવરણ નિમિતે, જન્મદિવસની ઉજવણી નિમિતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને વૃક્ષારોપણ કરાવું છું. એનાથી મને અંદરથી સંતોષની અનુભૂતિ થાય છે. રક્ષાબંધનની જેમ હું શાળામાં “વૃક્ષાબંધન” ઉજવીને બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરું છું.

 

થોડા સમય પહેલા મેં મારા ઘર નજીક જ એક ઉકરડો જોયો, ઉકરડો પણ ગજબનો દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે. લોકો નાક ચડાવીને, મોં મરડાવીને નીકળે, કોઈને ન ગમે પણ કોઈ કઈ કરે પણ નહિ. પાલિકાની મદદથી મેં એ જગ્યા સાફ કરાવી અને એમાં 50 વૃક્ષો વાવ્યા. એમાં વાલીઓ, મારા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સરકારનો પણ એટલો જ સહકાર મળ્યો. આજે એ જગ્યા ફૂલોનો શણગાર કરીને, પંખીઓના ટહુકા સાથે સૌનું સ્વાગત કરે છે. વાહવાહી, પ્રસંશા, કે પછી તાળીઓના ગડ્ગડાટની અપેક્ષાઓને વીંધીને જયારે આ વનમાં પ્રવેશીએ ત્યારે એવું લાગે છે કે અહીં કોઈને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી, કોઈ સેલ્ફી ફોનમાં અપલોડ કરવાની ઉતાવળ નથી, જયારે ફોન પર સતત ઉપલબ્ધ રહેવા જેટલો ફાલતુ સમય હોય છે કે એક મેસેજ આવ્યો નથી કે ફાટ દઈને વાંચ્યો નથી. તો પછી એવું પ્રકૃતિ માટે શું કામ નહિ?

 

વૈવિધ્ય સભર વૃક્ષો, રંગબેરંગી ફૂલો, આશીર્વાદ સમાન ઔષધિઓનું જંગલ રાજકોટમાં ઉભું કર્યું છે. નાના નાના છોડવાથી માંડીને ઘટાટોપ વૃક્ષો પણ ઉછેર્યા છે. તુલસી, અજમો, જાસુદ, અરડૂસી, પથ્થર ચટ્ટા, ગલગોટા, અપરાજિતા,લીમડો, પીપળો, વડ, ગુલમહોર આ બધાં જ તમને મારે ત્યાં મોજ થી લહેરાતાં બારેમાસ જોવા મળશે. રાજકોટને ખ્યાલ ન હોય તો કહી દઉં કે રાજકોટમાં એવી ઘણી સંસ્થાઓ છે જે પર્યાવરણ, વૃક્ષોનું જતન કાર્ય કરે છે એવી જ કેટલીક સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન લાયન્સ, નિફા સાથે હું જોડાયેલી છું. ન કરવાનાં બહાનાં તો હજાર મળી જશે પણ કરવા માટેનું કારણ ફક્ત એક જ છે. પ્રકૃતિપ્રેમ. જે દિવસે આ વાત સમજાય જશે, ત્યારે ઓક્સીજન માટે દોડવું નહિ પડે.

 

એવો અહંકાર ન રાખવો કે ના
થાય કશું મારા વિના,

અહીં તો આખું આકાશ ઉભું છે
ટેકા વિના.