#442 Payal, a trans woman of Rajkot

By Faces of Rajkot, September 29, 2021

મારાં હાથ પર સળગતાં કોલસા મુકવામાં આવતા, પટ્ટા, બેલ્ટ, કેબલથી ઢોર માર મારવામાં આવતો, કારણ? લાગણીઓની અભિવ્યક્તિ. મને 14 વર્ષની ઉંમરે ભાન થયું કે મારુ શરીર પુરુષનું છે પરંતુ મારી અંદર એક સ્ત્રી છે. ત્રણ બેહનો વચ્ચે હું એક જ ભાઈ જેથી મારા માતાપિતાની અપેક્ષાઓ, સામાજિક જવાબદારી, લાચારી, શરમ બધું જ ભેગું મળીને એક બેલ્ટ કે જે પણ હાથમાં આવતું એ મારા શરીર પર છપાઈ જતું. મારી સાથે ન તો કોઈ સરખી વાત કરતુ, ન કોઈ મિત્રો, ન કોઈ જમવા બેસે. તમને બધાને મનગમતું કરવાની છૂટ પણ મને નહિ?

 

હું રાજકોટની પ્રથમ ટ્રાન્સવુમન પાયલ, સુરેન્દ્રનગરના એક ગામથી 12 સાઇન્સ ભણી અને એક દિવસ કંટાળીને ભાગી નીકળી. જે પહેલી બસ મળી એમાં બેસી ગઈ અને ખબર નહોતી કે ક્યાં જઈશ. વહેલી સવારે રાજકોટમાં પગ મુક્યો. અજાણ્યું શહેર અને અજાણ્યા લોકો મારા જેવાને તો કોણ પૂછે? પાર્ક, બગીચાઓમાં રડી રડીને રાત વિતાવી. ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા. જો જલ્દીથી કામ ન મળે તો ભૂખે મારવાનો વારો આવે. એટલે જે કામ મળ્યું તે માથે ચડાવ્યું. એક હોસ્પિટલમાં કચરાપોતા કરવાની નોકરી મળી એ કરી, બીજી નોકરી હોસ્ટેલમાં મળી એ કરી અને પહેલો પગાર આવ્યો ત્યારે ફરીથી રડી પડાયું. આ દરમિયાન પાર્ક અને ગાર્ડનમાં જ પડી રહેતી પરંતુ હવે મારે આગળ ભણવું હતું, વ્યવસ્થિત જિંદગી જીવવી હતી. પણ મકાન ભાડે કોણ આપે? ફરીથી એજ સવાલો, એજ અપમાન, એજ ધુત્કાર. નથી મેં તમારું કઈ પચાવી પાડ્યું, નથી મારાથી તમને કોઈ લાગણી કે નથી તમને કોઈ ખતરો પછી મારી સાથે એવો દુર્વ્યવહાર શું કામ?

 

ઘણી આજીજી પછી એક રૂમ મળી મને તો જાણે સ્વર્ગની સીડી મળી ગઈ. બીજા જ દિવસે કૉલેજમાં એડમિશન લઇ લીધું અને ડિપ્લોમા ઈન આર્ટસ શરુ કર્યું. હું સ્ત્રીના કપડાં પહેરું છું જેનાથી લોકોને ગેરસમજ થાય છે કે હું કિન્નર છું, કિન્નર તો દૈવી અવતાર કહેવાય છે, ના હું કોઈ જ કિન્નર નથી. ઘણા લોકો તુચ્છ સમજે, કોઈ અપમાન કરે આ તો બધું બાળપણથી જ જોયેલું એટલે કોઠે પડી ગયેલું. પણ મેં તો સ્વમાન સાથે જીવવાનું નક્કી કરી લીધેલું છે. નોકરી કરી ને માથું ઊંચું રાખીને જીવીશ.

બને તેટલું ભણીશ, કંઈક કરી બતાવીશ. હું એક સારી નૃત્યકાર, લેખક અને ચિત્રકાર છું. વરલી આર્ટના મારા ચિત્રો રાજકોટની દીવાલો પર કેટલી વાર ચિતરાઈ ચુક્યા છે. લોકોને હું એટલું જ કહું છું કે તમે મારા દેખાવને શું કામ જુઓ છો ? મારા ટેલેન્ટ ને જુઓને. મારામાં જે આવડત છે એને જુઓ એની કદર કરી જાણો.

 

મેં જીવનમાં ક્યારેય ભિક્ષાવૃતિ નથી કરી હા મદદ જરૂર માંગી હશે અને બનતા પ્રયત્નો કર્યા હશે કે સમયસર એ ચૂકવી પણ આપું. જીવનમાં એક જ વાર ખરાબ કામ કર્યું છે જયારે મારે બારમા ધોરણની પરીક્ષા આપવા જવાનું હતું અને મારી પાસે લખવા માટે પેન નહોતી. મેં મારા માતાપિતા પાસે બીતા બીતા પૈસા માંગ્યા તો એમણે ઉલ્ટાનું અપમાન જ કર્યું. પણ મારે તો પરીક્ષા એવી જ હતી. કોણ મદદ કરે? એક વ્યક્તિએ પૈસા આપવાની વાત કરી અને મારો ઉપયોગ કર્યો મને મનમાં એમ જ થતું હતું કે ક્યારે આ બધું પૂરું થાય મને પૈસા મળે અને હું પેન લઈને પરીક્ષા આપવા જાઉં. પણ, એ વ્યક્તિએ પૈસા ન આપ્યા. શેરી, ઘરમાં અપમાન કર્યું અને મને ધરતી મારગ કરે તો સમાઈ જાઉં એવો તિરસ્કાર મળ્યો. ત્યારથી નક્કી કરી લીધેલું કે મારી સાથે આવું તો નહિ જ થવા દઉં ભલે ભૂખે મરવું પડે કે પછી રસ્તા પર સુઈ રહેવું પડે.

 

આવા કડવા ઘૂંટ ડગલે ને પગલે મળે છે, ગુનો મારો એટલો જ કે હું સ્ત્રૈણ છું અને સ્ત્રી ના કપડાં પહેરું છું એનાથી હું માણસ તો નથી મટી જતી? પગલૂછણિયાં કરતાંય બદતર અનુભવ લોકોએ કરાવ્યા છે. હવે તો મનમાં લેવાનું પણ બંધ કરી દીધું છે. જો જરાક અમથી ખુશી મળે કોઈ દિવસ તો ડર લાગે છે કે કાલે કશું ખરાબ ન થાય, કોઈ અપમાન ન કરે, કોઈ ધુત્કારે નહિ.

 

મારે ઈચ્છા છે કે મારી કલાને એક ઓળખ મળે, વરલી આર્ટ જે આજે વિસરાઈ જવા આવ્યું છે એનું મહત્વ લોકો સમજે અને આવકારે. મારે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી છે અને આગળ વધવું છે. મારી ઈચ્છાઓના ધણ પર લોકોના મેણાં-ટોણા ને તિરસ્કારના હથોડા ભલે પછડાતા રહે પણ મારે તો ટીપાઈને પણ ઘડાવું છે. કામ પણ મેળવીને જ રહીશ અને માન પણ.

 

હરગિજ ન હોય આટલો સાવધ ખુશીનો રંગ,
છે આજ લાલી ત્યાં કદી થપ્પડ પડી હશે !

 

મૂકી ભર્યું મકાન કદી ના જતો રહે,
ઓછી કદાચ એમને સગવડ પડી હશે.

 

બહુ વસમી થોંટ હોય છે અશ્રુની થોંટ પણ,
એ થોંટથી જ આંખો તળે કડ પડી હશે !

 

‘ઘાયલ’ – મર્યાનું કોઈને દુ:ખ ના હશે છતાં
હડતાલ સારા શહેરમાં સજ્જડ પડી હશે.

– અમૃત ઘાયલ