#443 Hiren Trivedi and Mentally challenged people

By Faces of Rajkot, October 21, 2021

હમણાં જ શ્રાદ્ધના દિવસો ગયા, બધાએ કાગડા, પશુઓ, પક્ષીઓ, ભૂદેવોને પેટ ભરીને જમાડ્યા હશે. ખીર, લાડુ, પુરી થી માંડીને ભાવતી વાનગીઓનો ધરવ કર્યો હશે. પણ, આવું બારેમાસ ચાલે તો? પોસાય? અને એ પણ દિવસમાં એક જ વાર હોય છે જો ચાર ટાઈમ કરવું પડે તો? હસી કાઢવા જેવી વાત નહિ?

 

ના, રાજકોટમાં એવા હિરલાઓ પણ છે જે કંઈક એવું જ રોજ કરે છે.

 

હિરેન ત્રિવેદી, સેન્ટ પૌલ સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરું છું, મારા માતાપિતા સરલાબેન અને શશીકાંત ત્રિવેદી એ નાનપણથી જ એવા સંસ્કારો આપ્યા છે કે પોતાના માટે તો બધા જીવી જાણે તમે બીજા માટે શું કર્યું? ખુદ નોકરી કરી કે બિઝનેસ કર્યો એમાં જ દિવસ રાત તનતોડ મહેનત કરી, જુવાનીમાંથી બુઢાપા તરફ ગયા અને પછી હવે હાથપગ ચાલતા નથી એમ કરીને માળા પકડીને બેસી ગયા. જીવનનો અર્થ કોઈએ સમજ્યો? કોઈને કામ આવ્યા?

 

મારા મમ્મીએ 27 વર્ષ સુધી માનસિક વિકલાંગ બાળકો સાથે કામ કર્યું છે અને મારા નાનપણમાં હું એમની સાથે ખુબ રમ્યો છું. મને ક્યારેય એની કોઈ પણ ક્ષતિથી ક્ષોભ નથી થયો કે નથી કોઈ તકલીફ થઇ. મેં પણ મોટા થઇ ને એજ દિશામાં ચાલવાનું નક્કી કર્યું. માનસિક વિકલાંગો માટે ઘરનો એક ખૂણો, અપમાન અને મેણાં કાયમી હોય છે. એ જાણે અણગમતું અંગ હોય એમ એની ઉપેક્ષા થતી હોય છે. મારા પરિવારે પરમાર્થ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અને એના હેઠળ 18 થી 50 વર્ષના માનસિક વિકલાંગોને અપનાવ્યા જેમની આર્થિક પરિસ્થિતિ સધ્ધર નહોતી, અમુક તો એવા પણ હતા કે પિતાની છત્રછાયા નહોતી અને માતાને કામ કરવા જવું હોય તો મન ઘરમાં પૂરીને એકલા મૂકીને જવું પડતું. જેનાથી એમની માનસિક સ્થિતિ વધુ બગડતી, એમનામાં ગુસ્સો, તોફાન, આક્રમક વૃત્તિઓ વધતી જતી કે મારી સાથે એવું કેમ થાય છે.

 

આ લોકોને અપનાવવા માટે અમે પહેલા ભાડે ઘર રાખવાનું વિચાર્યું, આ માટે કોઈ ઘર ભાડે આપવા તૈયાર પણ ન થાય અને જો કોઈ થાય તો પણ પાડોશીઓ વચ્ચે પડે એમને સુરક્ષા સામે ખતરો લાગતો. જે ઘણું જ હાસ્યાસ્પદ હતું પરંતુ ગામના મોં પર ગરણાં થોડા બાંધવા જવાય છે. જો કોઈ ઘર નક્કી પણ થાય તો એમાં દલાલી આવે, એડવાન્સ માંગે અને પછી ભાડું આવે આ બધું ત્યારે પોસાય એવું નહોતું. મારા મમ્મીએ કહ્યું કે ઘરમાં જ શરુ કરીયે.

પછી શરુ થયો શ્રમનો મહાયજ્ઞ, બધા જ આજે પણ એક સાથે જમવા બેસીએ છીએ કોઈ જ અલગ ભોજન નહિ અને કોઈ ભેદભાવ નહિ, અમારા ઘરનાં સભ્યોની જેમ એ લોકો રહે છે. મારી પત્નીએ પણ એમાં ભરપૂર સહકાર આપ્યો અને આજે પણ ચાલુ છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ એણે એટલા જ જતનથી કામ કર્યું છે છેક ડિલિવરી સુધી. સવારથી જ કામ શરુ થઇ જતું અને સાંજ સુધી ચાલતું.

 

રાજકોટ એમાં ભરૂપર મદદ કરે છે એમને ફિઝિઓ, વોકલ ટ્રેનિંગ આપવાનું, ભણતર અને ગણતર પણ શીખવવાનું. મારી ઈચ્છા એવી છે કે એમનું પોતાનું ઘર બને એમની પ્રાઇવસી માટે એમનો અલાયદો રૂમ હોય જેમાં બધી સગવડો મળી રહે અને એજ સંકુલમાં એક ઔદ્યોગિક વ્યવસ્થા પણ હોય જેમાં કામ કરીને એ લોકો કમાણી કરી શકે અને પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકે. જે લોકોને ઘરમાં નડતર રૂપે જોવાય છે એમનું સામાજિક ઘડતર થાય. મારા પોતાના બે બાળકો છે, નાનો દીકરો 3 મહિનાનો છે, મારે ક્યારેય કોઈ ફરિયાદ નથી થઇ કે મારા છોકરા તરફ ધ્યાન નથી અપાતું કે એ લોકો પાછળ રહી જાય છે. હું આ બાળકોનું ધ્યાન રાખું અને ઉપરવાળો મારા બાળકોનું ધ્યાન રાખે છે એવું મારુ દ્રઢ પણે માનવું છે.

 

હલેસા મારવાનાં જોમથી
વાકેફ થવાયું છે,
મને મઝધારમાં છોડી જનારાને
ઘણી ખમ્મા!

 

છતાં કઠપૂતળીને લાગતું કે
મુક્ત છે પોતે,
ચીવટથી એમ દોરી બાંધનારાને
ઘણી ખમ્મા!

 

– હર્ષા દવે