#444 Jitubhai & Vishwanidam
By Faces of Rajkot, November 17, 2021
જીતુ વિશ્વનીડમ, હું અને મારા એક મિત્ર વિરાણી સ્કૂલ પાસે બેઠા હતા અને એક બાળક ભીખ માંગતો આવ્યો અને અમારી પાસે એક રૂપિયો ખાવાનું લેવા માટે માંગ્યો. મેં કહ્યું કે મારી સાથે મારી ઘરે ચાલ, ભરપેટ જમાડીશ અને મારુ નાનું મોટું કામ કરીશ તો દરરોજના દસ રૂપિયા આપીશ. એ છોકરાએ એના ખિસ્સામાંથી પૈસા કાઢીને બતાવ્યા, પચાસ રૂપિયા તો હું રોજના ભીખ માંગી ને કમાઈ લઉં છું, દસ રૂપિયામાં શું થાય? મને તો કાપો તો લોહી ન નીકળે એવી લાગણી થઇ. એવું સમજાયું કે આમને કોઈ પૈસા, કપડાં, કે ભોજનના દાનની જરૂર નથી માત્ર, ભણતર અને ગણતરની જરૂર છે.
એ વિચાર સાથે જેમ બને એમ જલ્દી મેં અને મારા મિત્રએ મળીને વિરાણી આગળના એક બગીચા પાસેની ઝૂંપડપટ્ટીમાં રાત્રીશાળા શરુ કરી. ખુબ વિરોધ, ઘણા અવરોધ વચ્ચે શરુ થયેલી શાળા ઘણા ઘરમાં દીવો પેટાવવામાં સફળ રહી છે. એ પછી બીજી રાત્રી શાળાઓ પણ શરુ કરી છે. ભણતર એ અમારો ગોલ નથી પણ માધ્યમ છે. આમને ભણતર, નોકરી, કુટુંબનિયોજન, અંધશ્રદ્ધા, કુરિવાજો જેવી બાબતોની માહિતી આપવામાં આવે છે. સ્વછતાના પાઠ ભણાવાય છે. ભિક્ષાવૃત્તિથી દૂર રહેવા અને સન્માન સાથે જીવવા માટે તૈયાર કરાય છે.
એક પ્રસંગ એવો બની ગયો જેના થાકી રાજકોટની ઘણી સ્કૂલો આ અભિયાનમાં જોડાઈ ગઈ. હું જયારે રાત્રીશાળામાં ભણાવતો હતો ત્યારે એક નામાંકિત સ્કૂલના લોકો ધાબળા વિતરણ કરતા હતા. મેં જઈને પૂછ્યું કે ભાઈ તમે દર અઠવાડિયે આપવા આવવાના? એ લોકો મને પાગલ જ સમજી બેઠા હશે. એક વ્યક્તિએ કહ્યું કે અમે અહીં સર્વે કર્યો છે અને આ લોકો ઠંડીમાં એમજ સુઈ રહેતા હોય છે એમના માટે ધાબળા આપવા આવ્યા છીએ. મેં કહ્યં એ તો સારું કામ કરો છો પણ આ લોકો તો ધાબળા શનિવારની બજારમાં વેંચી મારશે તમે આવતા અઠવાડિયે ફરી આપવાના? એ લોકો મારો ઈશારો સમજી ગયા. એમણે મને સ્કૂલમાં મળવા માટે બોલાવ્યો અને કહ્યું કે સવારે અમારી સ્કૂલો હોય છે પણ બપોર પછી ખાલી હોય છે તમે તમારા બાળકોને અહીં મોકલો અમે એમને ભણાવીએ. બસ મારે તો ભણતર જ જોઈતું હતું ધાબળા સાથે પલંગ અને ઘર તો એની મેળે કમાઈ લેશે. એમ કરતા એક સાથે અનેક સ્કૂલો જોડાઈ અને ઝુપડપટ્ટી હટાઓ નું મહાઅભિયાન પણ શરુ થયું.
ઝુપડપટ્ટી વિનાનું રાજકોટ કોને ન ગમે? ઘણીવાર વાલીઓ ફરિયાદ કરે, ઝગડા કરે, શંકા કરે કે અમે એના બાળકોને ઉપાડી જાશું, એમની કમાણી જશે, ઘણીવાર મહિલાઓ દેવીને મારી મરી જવાની માનતાઓ પણ કરતી હોય છે. કારણકે કુટુંબ નિયોજન એ મારો ઝુપડપટ્ટી માટેનો મહત્વનો મુદ્દો રહ્યો છે.
જે મારો પહેલો વિદ્યાર્થી હતો આજે પણ મને નામ યાદ છે “વિરમ”. એના માબાપને 8-10 સંતાનો હતા. પણ વિરમે માત્ર 2 સંતાનો જ કર્યા અને એની જવાબદારી ઉપાડવામાં એ સમર્થ પણ છે. 8-10 સંતાનોને પાલનપોષણ તો દૂર તમે સમય પણ ન આપી શકો. મારી સ્કૂલમાં જોડાતા દરેક બાળકો આજે પણ મને ફોન કરે છે, એમની પાસે નોકરીઓ, બિઝનેસ છે કોઈ સરકારી નોકરી પર છે તો કોઈ પોતાની દુકાન ચલાવે છે. ઝુપડપટ્ટીમાંથી બહાર આવવાની સાથે જ માન-સન્માન, સ્વચ્છતા, સિદ્ધિ અને શ્રી એમની સાથે થઇ જાય છે.
દાનધર્મ એ દરેક ધર્મનું અભિન્ન અંગ રહ્યું છે એ પછી મુસલમાનો માટે મોહરમનો સમય હોય કે હિંદુઓ માટે અધિક માસ, દાન કરવા માટે લોકો ઘણા બનતા પ્રયત્નો કરતા હોય છે. પણ એવું તો દર વર્ષે કરવું પડે ખરું ને? ભણતરનું દાન એવું છે કે જેનાથી તમારામાંથી કશું ઘટતું નથી ઉલ્ટાનું વધે છે અને એ એકજ વારનું હોય છે.
ચડી ગઈ છે ફરી ચાનક સુધરવાની
હવે આ ટેવ અમને લઈને મરવાની
ઘણાની વ્યસ્તતામાં હોય છે એવું
હવા કાઢી ફરી ફુગ્ગામાં ભરવાની
– લિપિ ઓઝા
Related
Recent Comments