#445 Shraddha Dangar
By Faces of Rajkot, May 6, 2022
પુરુષપ્રધાન સમાજ અને લગ્ન પછી મોટા ભાગની સ્ત્રીઓની આઝાદીની કપાઈ જતી પાંખો એ કાંઈ નવું નથી. આપણે બધા આ બધું વર્ષો થી જોતા આવ્યા છીએ અને જાણ્યે અજાણે એનો ભાગ પણ બનીયે છીએ. ઘણીવાર આંખો આડા કાન કરીને એતો એવું રહેવાનું કહી ને આગળ વધી જઈએ છીએ. સાવ એવું પણ નથી રહ્યું જે સદીઓ પહેલા હતું, ઘણું બધું બદલાતું જાય છે પણ જયારે અતીત માં ડોકિયું કરીયે ત્યારે એમ થાય કે આપણે સાવ આવા હતાં ?
એવું જ અતીતનું દર્શન દુનિયાને કરાવનાર રાજકોટની રોનક શ્રદ્ધા ડાંગર, હેલ્લારો ભાગ્યેજ કોઈ ગુજરાતી મળશે જેને એ ફિલ્મ નહિ જોઈ હોય, એ દેશમાં હોય કે પરદેશમાં દરેકે આ ફિલ્મને સમજી અને માણી જ હશે. ગરબા એ શ્રદ્ધાનું પ્રતીક મટીને ને અંતરાત્મા અને પીડાનો અવાજ બનીને જયારે બહાર આવે ત્યારે એવું કોઈ માસ્ટરપીસ મૂવી બને છે. અને એ ફિલ્મમાં શ્રદ્ધાએ ખુબ જ મહેનત કરી છે.
ખુબ જ ટૂંકા ગાળામાં આ ફિલ્મ બનેલી કારણકે આ કોઈ બોલિવૂડ ફિલ્મ નહોતી જેમાં કરોડોનું બજેટ હોય અને ભવ્ય સેટ્સ હોય. પરંતુ આ ટૂંકા સમયની ફિલ્મ પહેલાનો સંઘર્ષ અને મહેનત એક વાર સમજવા જેવી ખરી. ફિલ્મનું ઓડીશન તો એમ જ દોસ્તોના કહેવાથી આપી દીધું હતું અને એમાં ઘણા કલાકારોએ ભાગ લીધેલો, મારા ભાગે આ ફિલ્મ મળવી એટલે બગાસું ખાતા પતાસું આવી ગયા જેવું શરૂઆતમાં તો લાગ્યું. પછી શરુ થઇ અસલી મહેનત. વર્કશોપમાં દરરોજ મંજરી બનવાનું, સતત એના જ વિચારો, એ પાત્ર જાણે જીવનમાં ઘડાઈ ગયું, થોડા સમય પછી તો અમે અમારા ફિલ્મોના નામથી જ વાતો કરતા. વર્કશોપના લંચ દરમિયાન બ્રેકમાં બેઠા હોય તો પણ એજ પાત્રમાં જક્ડીને રહીયે. બહુ ઓછા લોકોને ખબર હશે કે કચ્છના વાગડમાં બનેલી સત્યઘટના “વ્રજવાણીનો ઢોલ” પર થી આ ફિલ્મ બનેલી છે.
આખરે જયારે શૂટિંગ શરુ થયું ત્યારે તો જાણે હું મંજરી જ બની ગયેલી, શ્રદ્ધા તો ક્યાંય અમદાવાદમાં પાછળ મુકાઈ ગઈ. કચ્છના રણમાં પચાસ ડિગ્રીમાં શુટીંગ કરીને સાંજે તો થાકીને લોથ થઇ જતાં પણ સમયને માન આપીને નક્કી કરેલું શૂટિંગ તો પૂરું કરીને જ રહેતાં. રણમાં પગે કેટલાં કાંટા લોકોને વાગ્યા હશે એનો હિસાબ નથી. મારા પગે વાગેલા એ કાંટા આજે મારા રૂમમાં એવોર્ડ બનીને ઉભા છે. કોઈ ઝાડને છાંયે મેકઅપ કરી લેતા, રાત્રે માંડ 4 કલાક જેટલી ઊંઘ થતી અને પછી મેકઅપ અને શૂટિંગમાં જ દિવસ નીકળી જતો. જયારે છેલ્લા સીનનું શુટિંગ હતું ત્યારે હું આઠ કલાક એ રૂમમાં બેઠી રહી હતી જ્યાંથી બહાર નીકળીને મારે ગરબા કરવાના હતા. મંજરીનું પાત્ર એટલું તો હાવી થઇ ગયું કે જાણે આ ગામ, આ લોકો, હું , બધું આમ જ હતું અને આ જ જીવન છે.
એ સિક્વન્સના શુટિંગમાં બધી બહેનોએ એટલી મહેનત કરેલી કે કોઈ સંજોગોમાં શુટિંગ કરવું શક્ય જ નહોતું. હું પોતે પણ એટલી થાકી ગયેલી કે પગ ઉપાડવો પણ મુશ્કેલ હતો. તો પણ બધાએ સાંજ પહેલા એ શોટ પૂરો કરવાનો જ હતો કારણ કે એ ફિલ્મનો આખરી શોટ હતો.
જેવા ગરબાની ફાસ્ટ સિક્વન્સ શરુ થઇ ત્યાંતો એક પડે ને એને ઉભી કરો ત્યાં બીજી બે પડી ગઈ હોય. થાક અને પીડા ઉપર મેહનત અને જુસ્સો હાવી થયા અને મક્કમ મન સાથે એક બીજીને સાંભળતા શોટ પૂરો કર્યો. જયારે ડિરેક્ટરે “કટ” કહ્યું ત્યારે અમારામાંથી એક પણ ઉભી નહોતી બધી જમીન પર રીતસરનો ઢગલો થઇ ગયેલી. આટલી અથાગ મેહનત પછી જે ફિલ્મે થીએટરમાં રંગ રાખ્યો છે એ બધી જ પીડા અને દુઃખ ભુલાઈ ગયેલા.
આજે પણ લોકો મારા નામ કરતા મંજરીને વધુ યાદ રાખે છે. એ એક છબી લોકોના મનમાં બેસી ગઈ છે અને મારે એ ઇમેજ માંથી પણ બહાર નીકળવાનું હોય છે. કેમ કે હેલ્લારો વારે ઘડીએ નથી બનતી, અને એક ઈમેજમાં જકડાઈ જઈએ તો બીજી ફિલ્મોનું શું થાય? લોકો તો મંજરીની અપેક્ષા સાથે જ ફિલ્મ જોવા આવે. તો આ બહુ જ કપરું કામ બની ગયેલું. પણ રાજકોટનું પાણી છે કંઈક નવું તો લાવી ને જ રહીશું?
અને એટલે જ આજે રીલિઝ થયેલી મારી ફિલ્મ કહેવતલાલ પરિવાર એ ચાલ જીવી લઈએ, કેરી ઓન કેસર જેવી અદ્ભૂત ફિલ્મો ના ડાઇરેક્ટર શ્રી વિપુલભાઈ મહેતા એ જ લખી અને ડિરેક્ટ કરી છે. અને આ ફિલ્મમાં દિગ્ગજ કલાકારો જેમ કે સિદ્ધાર્થભાઈ રાંદેરીઆ, વંદનાબેન પાઠક, સંજયભાઈ ગોરડીઆ અને સૌનો માનીતો ભવ્ય ગાંધી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. મારી આ ફિલ્મ જોવા આવશો ને?
રાજકોટને હું એટલું કહીશ કે ગુજરાતના નાનકડા શહેરમાં રહેતા હોવ અને એવું લાગતું હોય કે અહીંથી અમે શું કરી શકીએ? અમે મુખ્ય પ્રવાહમાં નથી કે અમે મુંબઈ કેવી રીતે જઈ શકીએ? ઓડિશન કેવી રીતે આપી શકીએ? તો એવા વિચારો ખંખેરીને માત્ર એ વાત પર ફોકસ કરો કે તમારે શું કરવું છે. તમારે અભિનય કરવો હોય, ફિલ્મ-સિરિયલમાં જવું હોય, પત્રકાર બનવું હોય કે ડોક્ટર-એન્જિનિયર બનવું હોય. એક સ્ત્રી તરીકે, એક યુવતી તરીકે, એક એક્ટ્રેસ તરીકે મારે આજની છોકરીઓેને કહેવું છે કે હું ફિલ્મલાઈનમાં આવી તો મેં એના માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કર્યાં. હું માત્રને માત્ર મારી ટેલેન્ટ, મારી આવડતના જોરે કામ કરી રહી છું. આજે ઘણી યુવતીઓને હું જોઉં છું કે જે મળે એ કરી લેવું પડે એવું એ માનતી હોય છે. એ ખોટી વાત છે. તમે તમારા ભવિષ્યના નિર્ણાયક છો, તમે તમારા ભવિષ્યના ઘડનાર છો એ મને અનુભવે સમજાયુ છે.
એક આ ગુણ ઉપર બસ ટકી છે નદી
કેટલું ક્યારે ક્યાં સાંકડા થઈ જવું
ક્યાંક એવી દિશા,ભૂમિ, ને સ્થળ હશેજે તરફ તાકવું, જાતરા થઈ જવું.
– ભાવેશ ભટ્ટ
Related
Recent Comments