#446 90 years old Shantuben
By Faces of Rajkot, July 7, 2022
લગભગ દરેકને મન માં એવો વિચાર હશે જ કે વૃદ્ધ થાશું ત્યારે શાંતિ થી આરામ કરીશું અને જીવનમાં કોઈ ધમાલ નહિ હોય. એવી પાકટ ઉંમરે તમારે જવાબદારીનું પોટલું ફરીથી આવી પડે તો? એ પણ નેવું વર્ષ ની ઉંમરે? લાંબો પથ ને રસ્તા કાચા, એક મુસાફર ને લાખ લબાચા.
શાંતુબેન, ઉમર નેવું વર્ષ, વાંકી કમર અને બોખલું મોં અને હિમ્મત જુઓ નમતા આકાશને ટેકો દ્યે એવી. મારા બબ્બે દીકરા પાછા થયા, પ્રભુની ઈચ્છા પાસે આપણું શુ ચાલે? ભગવાન ભરોસે બેસી રહું તો મારા વહુ ને છોકરો ખાય શું? મરી જવું પણ ભીખ ન મંગાવી એવો સિદ્ધાંત, વહેલી સવારે ડો. યાજ્ઞિક રોડ પર તમે જેને કચરો સમજીને ફેંકી દ્યો છો એને હું મારી રોજીરોટી સમજીને એકઠું કરું અને સાંજે વેંચીને એમાંથી જ પણ મળે એમાંથી મારા પરિવારનું ભરણપોષણ થાય. તડકો, ટાઢ કે તાપ અને આ ભંગારના ભારની સામે મારી જવબદારી નો ભાર વધુ છે એટલે હસતા મોં એ ઉંચકી લઉં છું. કોઈ વાર થાકી જાઉં તો બેસી જાઉં પણ ફરીથી કામ શરુ કરી દઉં. કોઈ વાર કોઈ જાકારો આપે, કોઈ વાહન હડફેટે લઇ લે, એ લોકોને જેટલી ઉતાવળ હોય છે એટલી ઝડપથી મારુ શરીર હવે નથી વળતું એટલે ક્યારેક ટક્કર થઇ જાય પણ વાંક આપણો જ ગણાય કારણ કે એ વ્યસ્ત રોડ છે અને મને પસાર થતા સમય લાગે કે કચરો વીણવામાં ધ્યાન બહાર જતું રહે.
મને પણ ઈચ્છા હતી કે મારો આ સમય પ્રભુ ભજન માં કે પૌત્ર પૌત્રીઓ ને રમાડવામાં વીતી જશે. પણ સમય બળવાન છે, ધાર્યું તો ધણીનું જ થાય આપણે તો રમકડાં માત્ર, જેમ ઉપરવાળો રમાડે એમ રમીએ. આ આવી પડેલી જવાબદારીને હું લીલા ઝાડ સાથે સરખાવું છું, હરવા ફરવાની પરવાનગી નથી પણ છાંયો તો એવો જ પડે અને ઉપર થી ગમે તેવો મૌસમ હોય લીલાછમ રહેવું પડે. બસ, મારુ પણ એવું જ છે કે છાંયો તો આપવો જ અને લીલાછમ થઇ ને આનંદ માં રહેવું. ફરિયાદ કરવાથી, હાથ લાંબો કરવાથી કે પછી દુઃખ રડવાથી ઓછું નથી થઇ જવાનું.
અહીંના દુકાનદારો બહુ જ સારા, ઘણો સાથ આપે, થાકી ને બેસું તો કદી જાકારો ન આપે. ઘણી વાર સારી વાત પણ કરે, કોઈ ગિરનાર ચડીને આવ્યું હોય ને પગ હાથીના પગ જેવા થઇ ગયા હોય ને ઉંહકારા કરતા જાય, કોઈ અમરનાથ તો કોઈ હિમાલય સુધી જઈ આવે અને મને કહે કે કેવું સાહસનું કામ છે, હું તો એટલું જ બોલું ખરું સાહસ અને કસોટી તો સંસારમાં છે હિમાલય ઉપર નથી હોતી. જીવનપથમાં કોઈ મુશ્કેલી ન આવે તો સમજી જવાનું ખોટા રસ્તે જઈ રહ્યા હોઈએ. શાંતિ વગરનું સુખ એ સુવિધા માત્ર છે. ટાઢી રોટલી ખાઈને મને તો આ પથ્થરના ઓટલા ઉપર એ નિરાંતની નીંદર આવે છે તો બીજું શું માંગુ હું?
મારા વ્હાલા રાજકોટને કહીશ કે દરેક ને પ્રેમ કરો, સ્ત્રીનું સન્માન જાળવો, એમને માન આપો એટલા માટે નહિ કે એ સ્ત્રી છે પણ એટલા માટે કે તમારો ઉછેર એક સારી મા એ કર્યો છે એ સાબિત કરો.
કોઈ ઠારી નાખે, કોઈ દિવેલ પૂરે ઉમ્રભર
દિલમાં દીવા તો બધાંને હોય, મારે પણ હતા
તે છતાંયે ઘ૨થી જુદા એમને ક૨વા પડે
દીકરા વહાલા તો બધાંને હોય, મારે પણ હતા
હું ઉદાસી ઓઢીને કોઈ દિવસ બેઠો નહીં
તડકા-છાયા તો બધાંને હોય, મારે પણ હતા
શું કરીએ જિંદગી નાટક ક૨ાવે છે સતત
એક-બે ચહેરા તો બધાંને હોય, મારે પણ હતા.
– દિનેશ કાનાણી
Related
Recent Comments