#447 Milan Parmar, cinematographer

By Faces of Rajkot, October 8, 2022

ફિલ્મોની દુનિયા કોને ન ગમે? બધાને જીવનમાં ક્યારેક તો એવું થયુ જ હશે કે કાશ હું પણ અહીં હોત. ગુજરાતીઓને ફાળે અને ખાસ કરી ને રાજકોટને બહુ ઓછો જ અવસર મળ્યો છે. પુણેમાં વિશ્વવિદ્યાપીઠમાં એડમિશન માટે 18 સીટો ઉપર 12 લાખ સુધી એપ્લિકેશન દર વર્ષે થાય છે, અને મારુ અહોભાગ્ય અને વડીલોના આશીર્વાદથી મારો નંબર લાગી ગયો. એડ્મિશન તો થયું પણ જેને કદી લોકમેળાને છોડીને ટોય ટ્રેન સિવાય ટ્રેનમાં મુસાફરી જ ન કરી હોય એના માટે મુંબઈને ટપી ને પુણે સુધી પહોંચવું એ હિમાલય સર કરવાથી કમ નહોતું.

 

154 રૂપિયાની ટિકિટ ખાલી રાજકોટથી મુંબઈ જવા માટે થતી એ પણ લોકલ ડબ્બા માં, રિઝર્વેશન તો ખ્યાલ પણ નહોતો, ખિસ્સા માં માત્ર 127 રૂપિયા ને ગજવું ભરીને આત્મવિશ્વાસ એજ લઇ ને નીકળી પડ્યો, મને તો એમ જ કે બસ ની જેમ જ ટ્રેનમાં પણ અંદર જઈને ટિકિટ લેવાની હોય. એટલે ન તો ટિકિટ કે ન તો ટિકિટના પુરા પૈસા વિના જ ગોઠવાય ગયેલા. પણ દુનિયામાં ભલાઈ હજુ પણ ટકી રહી છે, TC એ જયારે જાણ્યું કે મને દુનિયાદારી ની હજી કશી જ ગતાગમ નથી અને પુણે જેવા શહેરમાં એકલો જઈ રહ્યો છું એ પણ કોઈ બચત વિના, એમને ટિકિટ પણ ન લીધી અને ઉપર થી 200 રૂપિયા પણ આપ્યા કે સફર માં આગળ જતા કામ લાગે. એ 200 રૂપિયા અંબાણી અદાણી ની દૌલત કરતાં પણ વધારે હતા અને આજે પણ એનું મૂલ્ય રત્તીભર ઓછું નથી થયું.

 

મિલન પરમાર, માત્ર 30 વર્ષની ઉંમરે 90 જેટલી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી ચુક્યો છું, દિગ્ગજો સાથે કામ કરીને ઘણું જ શીખ્યો છું એથી પણ વધારે અનુભવોએ પીઢ વ્યક્તિ બનાવી દીધો છે. કૅમેરાનો એટલો બધો શોખ કે ઊંઘવા કે આરામ કરવા કરતાં કામ માં વધારે રસ, ક્યારે પણ કૉલેજ માં કોઈ ઇવેન્ટ હોય ત્યારે હું સૌથી પહેલા હાજર થઇ જતો. મારા પ્રોફેસર, વિઝિટિંગ ગેસ્ટ્સ બધા માં લોકપ્રિય થઇ પડ્યો. મારી નિર્દોષ સમજ તો એટલી જ કે કોલેજ કરી ને કામ કરશું ત્યારે એક પ્રોફેસરે મને ભાન કરાવ્યું કે દુનિયા શું છે. એમણે મને બોલાવી ને કહ્યું કે, ફ્યુચરમાં શું કરવું છે? ડિગ્રી લઈને તો મારા જેવા કેટલાય દર વર્ષે બહાર પડે છે બધાને નોકરી કે કામ નથી મળતું. એમના ઘણા તો લગ્ન અને જન્મદિવસની વિડિઓ કેસેટ બનાવતા જ રહી જાય છે. યુનિવર્સીટીના માત્ર 18 મહિના માંજ મને નોકરી મળી ગઈ. વિનોદ પ્રધાન નામના દિગ્ગજ વ્યક્તિ જોડે કામ કરવાનું શરુ કર્યું. કામ તો નાના પાયે જ શરુ થયું પણ આવડત અને લગન જોઈને મને પ્રગતિ મળતી ગઈ. એમને મને કૅમેરા લઈને રેન્ટ પર આપવાનું કહ્યું. એ MX – RED કૅમેરાની કિંમત એ વખતે એક કરોડ થી વધુ હતી. ત્યારે એ કૅમેરાની ડિમાન્ડ ત્યારે ઇન્ડસ્ટ્રીમાં એટલી હતી. એ આઈડિયા કામ કરી ગયો અને વધુ કૅમેરા વસાવ્યા.

 

થોડો સમય મુંબઈમાં કામ કરીને ગુજરાતમાં શિફ્ટ થઇ ગયો. ગુજરાતમાં આવીને ફરીથી સ્ટ્રગલ શરુ થઇ કારણ કે ગુજરાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી પણ ક્યાં એટલી આગળ છે? લોકોને ખબર પડે કે મારા પાસે કરોડો રૂપિયાના કૅમરા છે તો લોકો મને પાગલ કહેતા અને એ પણ કહેતા એટલા પૈસા તો વ્યાજમાં મૂકીને જીવનભર બેઠા બેઠા ખવાય. પણ એવુજ વિચારીએ તો ધીરુભાઈ અંબાણીના છોકરાઓનું નામ આજે કોઈને પણ યાદ ન હોત. એ પણ ધારે તો બેઠા બેઠા 7 પેઢી સુધી ખૂટે નહિ. જેને મહેનત કરવી જ કરવી છે એમને આવી સલાહો કાને જ નથી પડતી. બોલિવૂડમાં “બરફી” ફિલ્મથી સફર શરુ થઇ અને આજે પણ ચાલુ છે.

 

રાજકોટની જનતા ખાસ કરીને તો જેમને આ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે એમને એટલું જરૂર કેહવું છે કે સમયનું સન્માન કરતા શીખી જાવ, તો જ તમારું માન અને કામ જળવાય રહેશે. બાકી કેટકેટલા સ્ટાર્સ, ટિક્ટોક, ઇન્સ્ટા ઉપર ફેમસ થયા અને ખોવાઈ પણ ગયા. તો સમયને સન્માન આપશો તો સમય તમને માન આપશે. રાહ તમે જોઈ શકો, સમય નહિ.

ક્યાં કહું છું કે વધારે જોઈએ

 

ભાગનું છે એજ મારે જોઈએ

રાતભર આવ્યા કરે મતલબ નથી

સ્વપ્નતો વહેલી સવારે જોઈએ

હાલ છે તે સાચવીને રાખજે,

પ્યાસ સાચી પાણિયારે જોઈએ.

આ વખત તો મૂલ કાચી ઊંઘના

આપશું ,જેવા તમારે જોઈએ

– આરતી જોશી