#448 Abhi Vyas & his struggles with Thalassemia Major
By Faces of Rajkot, March 17, 2023
દુકાળમાં અધિક માસ ને ગરીબ ગાયને બગા જાજી આજ કહેવતને સાર્થક કરતી હોય એવી પરિસ્થિતિ. 1998 નું વર્ષ ને ઘેર દીકરો જન્મ્યો. ખુશી માત્ર 6 મહિના રહી ત્યાં તો કોઈ ની નજર લાગી હોય એમ દીકરાનું શરીર ફિક્કું પડતું ગયું. એ વખતે જસદણમાં રહેતા હતા, ડોક્ટર પાસે ગયા રિપોર્ટ કરાવ્યા તો નિદાન થયું કે દીકરા ને થેલેસીમિયા મેજર છે. લોકો હજી આટલા વર્ષોની સરકારની મહેનત પછી પણ જાગરૂક નથી થયા, જયારે આમ અચાનક જ સાતેય આકાશ માથે તૂટી પડે ત્યારે જ સમજીએ.
અભિષેક વ્યાસ, હું રાજકોટને ભાર દઈને અપીલ કરીશ કે સગાઇ કરતા પહેલા ભલે શરમ આવે, લોકો કહેશે પણ એકવાર થેલેસીમિયાનો ટેસ્ટ તો કરાવી જ લેવો. લોકો તો ભૂલી જશે આવતી કાલે પણ જો મારા જેવું તમારા જીવન માં બને તો જાણી લો કેટલી તકલીફો વેઠવી પડે છે. માત્ર તમારે જ નહિ તમારા આસપાસના લોકો ને પણ તકલીફ નો ભોગ બનવું પડે છે. અને ઘરની આવકનો ખાસ્સો એવો હિસ્સો જે કદાચ તમારી બચત અને સપના સાકાર કરવામાં કામ લાગે એ દવાઓ પાછળ ખરચાઈ જાય છે.
મારે દર બાર દિવસે બ્લડ ચડાવવાની જરૂર પડે છે. સંકલ્પ લેબોરેટરી અને સરકારની મદદ થી બ્લ્ડ માટે કોઈ તકલીફ નથી લેવી પડતી, હા લોકડાઉન જેવું કંઈક અજુગતું જ બને તો દાતાઓ ની સંખ્યા ઘટી જરૂર જાય છે. આવા જ રેડક્રોસના એક કાર્યક્રમ દરમિયાન મારી મુલાકાત એક છોકરી સાથે થઇ, અમે મિત્રો બન્યા, એ પણ થેલેસીમિયા મેજર હતી. અમે એક સાથે પ્રેમમાં પડી દુઃખ લડી લેવા માટે મક્કમ બન્યા અને સગાઈ પણ કરી લીધી. કુદરત કયારેક પરિસ્થિતિમાં તમને ખુશીઓ તો આપવા તૈયાર જ હોય છે. જરૂર છે માત્ર તમારા સ્વીકારવાની, ક્યારેક આપણી આસપાસ ખુશીઓ હોવા છતાં પણ ભવિષ્યની ચિંતામાં એને માણી નથી શકતા. વાંક એમાં ઉપરવાળાનો નથી હોતો.
સંસાર તો માંડી લીધો હવે ગાડું તો ગાબડાવવું જ પડે ને, પપ્પા ડ્રાઈવરની નોકરી કરે, ઘરમાં અમે 6 લોકો અને મારી દવાઓનો ખર્ચ માત્ર 5-6 હજાર આવે અને દર બાર દિવસે બ્લડ બદલવાનું તો હોય જ, હવે સાથે મારી વાગ્દત્તાનો પણ ઉમેરો થયો એટલે જવાબદારી વહેચી લેવાની પણ જવાબદારી તો બને જ. શિયાળાની સવારનો ધુમ્મસ પણ કહી જાય છે કે બહુ આગળ જોવું નકામું છે, ચાલતા રહો રસ્તો આપોઆપ ખૂલતો જશે.
મારા સસરાની મદદથી અમે ઘુઘરાં વેંચવાનું શરુ કર્યું, કિંમત, સમય કે પછી મહેનતથી ઉપર ગુણવત્તા ઉપર કામ કર્યું, તમે ઘરમાં બેસીને ખાતા હોવ એવો જ સ્વાદ આવવો જોઈએ અને અમે અમારા ખાવા માટે બનાવતા હોઈએ એવી જ દાનત અને કોશિશ સાથે આ કામ સારું કર્યું. દિલ દરિયા જેવું હોય તો રાજકોટના લોકો નદી બનીને દોડી આવે છે. એવી જ રીતે અમને સારો આવકાર મળ્યો.
પૂછશો નહીં અમને મળવા અને અમારે ત્યાં નાસ્તો કરવા ક્યાં આવશો? હું જ કહી દઉં. કાલાવડ રોડ પર, કટારીયા ચોકડી પાસે, મહાદેવ ઘુઘરા અને દાળ પકવાન. અને અહીં આવો તો મારી સાથે વાત કરવાનું ન ભૂલતા.
રાજકોટનું યુવાધન જયારે નોકરીની તલાશમાં હતાશ થઇ જાય છે 8-12 કલાક ની તનતોડ મહેનત અને દોડાદોડી પછી હાંફી જાય છે, તો પણ આવું કંઈક કરવામાં નાનમ અનુભવશે, એમને હું એટલું જ કહીશ કે લોકો શું કહેશે એના કરતા ઈશ્વર શું કહેશે એ વિચારશો તો ક્યારેય પણ અટકશો નહિ.
સમય બદલવા જિંદગી નથી મળતી,
પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે.
Related
Recent Comments