#449 Ajaysinh Chudasama

By Faces of Rajkot, April 7, 2023

આપણી એડ્યુકેશન સિસ્ટમ એટલી સક્ષમ નથી કે તમને તમારું ભવિષ્ય જેમાં બનાવવું હોય એ ફિલ્ડ માટે પ્રોત્સાહન, માર્ગદર્શન કે માહિતી પુરી પડી શકે. અહીં આપણે જ યાહોમ! કરીને કૂદી પડીયે ત્યારે જ ફતેહ હાથ લાગે. ધોરણ બાર સુધી તો એમજ અંધારામાં કોઈ પણ દિશા વિના ભણી લીધું, જેમ દોસ્તો, શિક્ષકો, સગાં કે ઘરના કહેતા ગયા એમ ગાડરિયો પ્રવાહ આપણો ચાલતો રહ્યો. બીજાને બી.કોમ. કરતાં જોઈ ને આપણે પણ જંપલાવી દીધું, કારણ કે ખબર તો હતી નહિ કે ભવિષ્યમાં શું કરવું, કેમ આગળ વધવું, કેમ આ ટોળામાં થી અલગ આપણો રસ્તો બનાવવો.

 

અજયસિંહ ચુડાસમા, ઉમર 26 વર્ષ, અલગ થવું છે એટલી ખબર પડી પણ કેમ કરવું કે શું કરવું એની હજી પણ કંઈ ગતાગમ પડી નહોતી. ધોરણ બાર પછી કદી પણ ઘરમાંથી પણ ખર્ચ માટે પૈસો લેવો નહિ એવો આદર્શ બનાવીને પેલેસ રોડ પરની કે. દામજી જવેલર્સ માં નોકરીએ લાગ્યો. એટલે એક કામ તો પાર પડી ગયું કે ખર્ચને પહોંચી વળું. ખર્ચાઓ એટલા જ કરતો જેટલું કમાઈ શકતો અને બચતમાંથી શરુ કર્યું તબલા શીખવાનું, વાંસળીમાં હાથ અજમાવી જોયો પણ ક્યાંય આપણો તાલમેલ જિંદગી સાથે બેસે જ નહિ. જનૂનમાં એક દિવસ નોકરી પણ છોડી દીધી અને પછી તો ચા પીવાના પણ પૈસા ન મળે.

 

કોઈ એક દિવસ કહ્યું કે, ભાઈ તારો અવાજ બહુ સારો છે, એ દિશામાં આગળ વધ. મને થયું કે અવાજથી શું થશે આપણે થોડા સિંગર બનવાના. પણ એક વાર તો જોઈ પણ લીધું કે અવાજથી કમાણી થઇ શકે? જાણવા મળ્યું કે વોઇસ ઓવર એવું એક ફિલ્ડ છે જ્યાં તમારા અવાજના તમને પૈસા મળે છે. વોઇસ ઓવરમાં અથાગ પ્રયત્નો કર્યા પછી પહેલી જોબ મળી અને પહેલી કમાણી હજાર રૂપિયા, એ જયારે હાથમાં આવ્યા ત્યારે એમ થયું કે આનાથી તો હું દુનિયા ખરીદી લઉં, એટલા કિંમતી અને એટલી જ ખુશી નો પાર નહિ. બસ, પછી શું? એક લાઈન હાથ લાગી ગઈ અને એને જ કર્મ અને ધર્મ બનાવી લીધો. વોઇસ ઓવર માટે તમને નથી કોઈ ડિગ્રી હોતી કે નથી કોઈ પ્રુફ હોતું કે જેને તમે બતાવીને કામ લઇ શકો, બસ તમારે દરેક વખતે પોતાની જાતને સતત સાબિત કરતી રહેવી પડે. જો હિમ્મત હાર્યા તો ગયા સમજો.

 

સોશિઅલ મીડિયા પર મેં મારી પોસ્ટ અને વિડિઓ મુકવાની શરૂઆત કરી. એમાંથી કોઈએ નોંધ લીધી અને એક દિવસ કોઈએ સંપર્ક કર્યો કે એમને હોસ્ટની જરૂર છે. ત્યાંથી શરૂઆત થઇ જીટીપીએલમાં એક એન્કર તરીકે, એ પછી ઘણા પ્રોગ્રામો કર્યા, ગુજરાત સરકારની જાહેરાતોમાં વોઇસ ઓવર કર્યું અને લોકો ધીમે ધીમે નોંધ લેતા થઇ ગયા. જીટીપીએલમાં જયારે પહેલી વાર ટીવી પર આવ્યો ત્યારે તો મારા ઘરમાં ટીવી પણ નહોતું, મનમાં એટલો અફસોસ કે મારા ઘરના લોકો મને ટીવી પર ન જોઈ શક્યા. પરંતુ બીજા એવા ઘણા લોકો એ મને જોયો જે કહેતા કે જીવનમાં હું કશું જ નહિ ઉકાળી શકું.

 

જે લોકો મને પગથિયું ચડવાની પરમિશન ન આપતા એ હવે મારી એપોઇન્ટમેન્ટ લેતા થઇ ગયા. એક સમય હતો જયારે એક રૂપિયો પણ ખિસ્સામાં નહોતો, ચા પીવા તો ઠીક પણ પાણીનું પાઉચ પણ ન ખરીદી શકતો અને અફસોસ અને અંધકારમાં માથા અફાળતો. પણ હવે રોજ સવારે ટીવી પર આવવું, મોટા અધિકારીઓ, નેતાઓ અને અભિનેતાઓના ઇન્ટરવ્યુ લેવા જાણે નિત્ય ક્રમ બની ગયો. પણ, મનમાં ક્યારેય જુના દિવસો ભુલ્યો નહિ, જમીન સાથે જકડાઈને ચાલવું એ ગુણધર્મ બનાવી લીધો. બધાને સન્માન આપવું અને સમાજ માટે ઘસાઈ છૂટવું એવો આ જીભ સાથે વાયદો જે સાંજે મારી થાળીમાં રોટલી શાક મૂકે છે.

મારા બાપુજી જયારે મને ટીવી પર જોતા હોય ત્યારે મારી છાતી ગજ ગજ ફુલાતી, અને પરમ આનંદની અનુભૂતિ તો ત્યારે મળી જયારે પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ મારો નંબર શોધીને ફોન કરીને કહ્યું કે હું તમારો કાર્યક્રમ રોજ જોઉં છું. બસ એ જ દિવસથી નક્કી કર્યું કે મારા જેવા કેટલા એવા લોકો રાજકોટમાં હશે કે જેમને સ્ટેજ નહિ મળતું હોય પોતાની જાતને સાબિત કરવા માટે, મને અત્યારે મળ્યું છે તો હું એનો ફાયદો લોકોને અપાવું એવી ઈચ્છા છે.
નવયુવાનો માટે માર્ગદર્શન અને એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાંથી સહુને આગળ વધવાનો મોકો મળે.

 

રાજકોટની ધરતી ને સાષ્ટાંગ નમન કરીને હું એટલું જ કહીશ કે કોઈ પણ પ્રસંગ, વ્યક્તિ હોય, સારા કે ખરાબ એ દરેક તમને કંઈક ને કંઈક તો શીખવી જ જશે, એને જીવનમાં ઉતારી લેજો, હું મારી જાતને પેન્સિલ સાથે સરખાવું છું કે બટકશો નહિ ત્યાં સુધી અટકશો નહિ અને જો અટકો તો છોલાવાની ક્ષમતા રાખજો કારણકે દુનિયા તો તમારી અણી કાઢતી જ રહેશે. જય રાજકોટ!

 

આડી ને અવળી હોય છે હસ્તરેખાઓ,
કદી ક્યાં સવળી હોય છે હસ્તરેખાઓ.
પિંડ સાથે રચી હોય છે એ તો વિધાતા એ,
ક્યાં સરખી મળી હોય છે હસ્તરેખાઓ.

– દિનેશ નાયક