#450 Arjun Patel, a blind music professional
By Faces of Rajkot, October 21, 2023
જયારે સમગ્ર જગતમાં અંધાકર વ્યાપી ગયો હોય ત્યારે જ આકાશનું તારા મંડળ કેટલું દૈદિપ્યમાન દેખાય છે! ત્યારે અંધકાર પણ આશીર્વાદ જેવું લાગે છે. એવો જ રાજકોટના અંધકારનો એક તેજસ્વી તારલો છે અર્જુન પટેલ.
નામ મારુ અર્જુન અને નામ ને સાર્થક કરવા મેં પણ લક્ષ્યભેદથી ઓછી કદી ઈચ્છા પણ નથી કરી ભલે ને એણે આંખે પાટા જાતે બાંધેલા અને મારી આંખો પર પરિસ્થિતિઓ ના પ્રતિબંધ લાગેલા પરંતુ ધ્યેય તો બંનેનું વિજયી બનવાનું જ હતું. નાનપણથી જ આંખોનું વિઝન જતું રહેલું અને કશુ પણ શીખવું હોય તો સામાન્ય વ્યક્તિ કરતા બમણી મહેનત લાગતી. તમે કદાચ જોઈ શકો કે પિયાનો વગાડવા માટે આંગળીઓ કેવી રીતે બેસાડવી પરંતુ મારે કેવી રીતે શીખવું? તમારે કોઈ ચિત્રમાં રંગો ભરવા હોય તો તમને લાલ, લીલો પીળો રંગ પણ દેખાય હું ચિત્ર કેવી રીતે બનાવું?
મેં પણ રંગો પૂર્યા છે, સુરના, વિચારોને, ભાવનાઓ ને, લાગણીઓને અવાજના રંગોમાં રચી છે. જે રંગો આંખોના મોહતાજ હતા એને મેં આંગળીઓ થી સૂરોમાં પૂર્યા છે. એક ઓછું દેખતી કે ન દેખી સકતી વ્યક્તિની વાતો કરીને મારે કોઈ દયા કે સહાનુભૂતિ ભેગી નથી કરવી. હું તો બસ સંગીતની સુગંધ ફેલાવા આવ્યો છું. રાજકોટમાં જ જન્મ થયો અને અહીં જ મોટો થયો, કમનસીબે રાજકોટમાં મારા જેવા બાળકો માટે એવી કોઈ ફેસિલિટી કે સ્કૂલ નથી જે તમને સફળ બનાવી જાણે. મારે ઘરે જ મારી રીતે અભ્યાસ કર્યો, તાલીમ લઇને આજે હું બે હજારથી વધુ વિદ્યાર્થીઓ ને સંગીત શીખવું છું. લાઈવ શોઝ, ગરબા, મ્યુઝિક આ બધું સતત ચાલતું જ રહે છે. આંખોની કીકીઓ ના અંધકારને પરવશ થવાને બદલે એમાંથી જ સંગીત ઉભું કરીને હું મારો અચૂક લક્ષ્યભેદ સાધુ છું. આના લીધે જ મને મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો.
આ નવરાત્રી પર મારો જ કમ્પોઝ કરેલો ગરબો લઈને આવ્યો છું. એક વાર આંખ બંધ કરીને સાંભળજો, અંધકારમાં તારામંડળના દર્શન કરાવીશ. અહીં સુધી પહોવામાં મારા માતુશ્રીનો અથાગ પરિશ્રમ, મારી પત્નીનો સહકાર અગત્યનો છે. રાજકોટને હું જરૂર કહીશ કે એક તો અભિમાન કદી ન કરવું કાલ શું થશે એની કોઈ ને ખબર નથી, દેખતા લોકો પણ ખાડામાં જઈ પડે છે અને કોઈ આંખે પાટા બાંધીને પણ પાણીમાં તરતી માછલીની આંખ વીંધી જાય છે. બેઠા બેઠા કશું જ નહિ મળે, મહેનતનો કોઈ જ વિકલ્પ નથી, સતત મહેનત જ તમને અંધકારથી અજવાશ તરફ લઇ જશે.
तमसो मा ज्योतिर्गमय!!!
અને મારા ગરબા ને નીચે આપેલી Link પર અચૂક જોજો, લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. અને ગમી જાય તો એને શેર પણ કરજો. મને ખૂબ આનંદ આવશે. કરશો ને?
એમનો હાલ નો જ રેકોર્ડ કરેલ ગરબો
Related
Recent Comments