ફેસિસ ઓફ રાજકોટ 2 વર્ષ પુરા કરવા જઈ રહ્યુ છે ઍટલે આજે મરજીવાની જેમ રાજકોટનાં માનવ મહેરામણમાંથી અમૂલ્ય મોતી ફરીથી લાવીને તમારી સામે મૂકવાનું મન થયું. વાત છે રાજકોટની જાન અને અમદાવાદની શાન એવા ધ્રુમિલની.
ધ્રુમિલને આપણે પહેલા પણ અહીં જોઈ ચુક્યા છીએ પણ ફરી વાર નવા મિત્રોને માટે અને જુના મિત્રોની યાદદાસ્ત તાજી કરવા આવો ફરીથી માળીયે ધ્રુમિલને.
આજનો દિવસ છે પણ અનેરો. કારણકે આજે ધ્રુમિલનો બર્થડે પણ છે.
આજે મારો જન્મદિવસ, તારીખ ભલે ૧૩ હોય પણ મારા પેરેન્ટ્સ માટે તો દુનિયાનો સૌથી લકી દિવસ. હું એમનો એક માત્ર લાડકવાયો . આર.જે. ધ્રુમિલને તો રાજકોટ અને અમદાવાદ ઓળખે પણ ધ્રુમિલ માવાણીને બહુ ઓછા લોકો જાણે છે. ધ્રુમિલનો અર્થ થાય ગ્રેટ, પણ હું તો સાવ ઊંધો. શરમાળ અને એક્લવાયો. મમ્મી પપ્પા બંને જોબ કરે મારે ના વધારે દોસ્તો કે નહિ ભાઈ બહેન એટલે હું તો મારી દુનિયામાં જ મસ્ત. હું તો ગણિતનાં દાખલા પણ ૫ રંગની બોલપેનથી કરતો. જમાવટ તો જિંદગીમાં હોવી જ જોઈએ. બનાવટ તો બાકી દુનિયામાં છે જ.
રેડીઓની દુનિયામાં મિત્રો બહુ મળ્યા પણ પેલી કેહવત જેવા, શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક. કોઈને ખભે માથું મૂકીને રડી શકાય એવા તો નસીબ થી મળે અને નસીબનાં તો ભાઈ અમે બળિયા. ડિપ્રેસન, પ્રેમ, વહેમ બધું જ થઇ ગયું જીવનમાં. એક તબક્કો તો એવો હતો જીવનમાં કે ડીપ્રેશનમાં વજન ખૂબ વધી ગયું ને ધ્રુમિલ જાણે આદુંની પોટલી, ચારેકોરથી વધે. અને સમય નાચ નચાવે ત્યારે નજીકનાં સૌ કોઈ કોરીઓગ્રાફર બની જાય છે. પણ, “કોઈ”એ કહ્યું કે, ચાલ્યા ગયેલા પાછા આવે તોય શું? અફસોસ તો ગુમાવેલાનો થાય છોડી ગયેલાનો નહિ. અને બંદા ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા. અને ધ્રુમિલ બેક ટુ લાઈફ.
મારા દાદી મારી સૌથી નજીક અને મારા ખાસ મિત્ર હતાં એમની યાદો ક્યારેય નહિ ભૂલું. ગમે તેટલી હોળી કરું તોય યાદો પ્રહલાદની જેમ હેમખેમ પાછી નીકળે. જીંદગીનો ઉત્તમ તબ્બકો જોઈ લીધો, ન્યૂઝ પેપર, રેડિયો, ન્યૂઝ ચેનલ, પાર્ટી, એકટિંગ, એંકરિંગ બધું જોઈ લીધું છેક પહોંચીને પાછા વળ્યાં, ટોંચ ઉપર સાલું શ્વાસ બહુ રૂંધાય છે. એકલો મલેશિઆ, સિંગાપોર, ઇન્ડોનેશિયાની બેકપેક ટુર પર ગયો અને મનની શાંતિ મળી. આવો અનુભવ તો તમને ૧૦૦ સ્કૂલમાં પણ ના શીખવા મળે.
રાજકોટથી અમદાવાદ ગયો ત્યારે એમ થતું હતું કે રાજકોટમાં તો આપણો સિક્કો જમાવતા 7 વર્ષ નીકળી ગયાં અને અમદાવાદમાં તો ઓલરેડી આર.જે. વર્ષોથી સ્થાયી છે. આપણને ત્યાં કોણ પૂછશે? પણ ટેલેન્ટ અને હાર્ડર્વર્કનો કોઈ વિકલ્પ નથી, અમદાવાદે પણ એટલા જ પ્રેમથી અપનાવ્યો છે કદાચ થોડો “વધુ પ્રેમ” અમદાવાદથી મળી રહ્યો છે આજકાલ.
કોઈએ ટકોરા માર્યા ત્યારે ભાન પડી કે દિલમાંય બારણાં જેવું હોય છે. સંબંધના ખાતા નવેસરથી ચકાસ્યા ત્યારે ખબર પડી કે જમા કરતા જિંદગીમાં ઉધારે રંગ રાખ્યો છે. અને હા, જે લોકોને એમ છે કે રેડીઓ ઉપર બોલવું બઉ સહેલું છે તો એક વાર પાંચ મિનિટ સતત ફોન પર બોલી જોજો. અને જો બોલાય જાય તો એક વાર સરખામણી કરતી જોજો કે શ્વાસ, આરોહ અવરોહ ઉપર કેટલો કંટ્રોલ કરવો પડે. બાકી જો ના થાય તો રેડ એફ.એમ. ટ્યુન કરી લેજો હું તો હાજર જ છું.
Recent Comments